4 વર્ષથી નાના બાળકોને આ કફ સિરપ આપતા ચેતજો: ગંભીર આડઅસર થતાં સરકારે લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી, 26 એપ્રિલ, 2025: ભારત સરકારે તાજેતરમાં જ એક મોટો નિર્ણય લેતા ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અમુક કફ સિરપના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. સરકારે દવા નિર્માતાઓને નિર્દેશ આપ્યો છે એક તે આ સિરપનું પેકિંગ, લેબલ પર સ્પષ્ટ રૂપે ચેતવણી લખે કે આ દવા ચાર વર્ષથી નાના બાળકોને ન આપવામાં આવે. બાળકોની સલામતી માટે આ દવાઓનો ઉપયોગ ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આ નિર્ણય 15 એપ્રિલે જારી અધિસૂચના હેઠળ લેવામાં આવ્યો છે. સરકારે ખાસ કરીને ક્લોરફેનિરામાઇન મેલીએટ અને ફેનીલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડના મિશ્રણવાળી તમામ દવાઓના વેચાણ, નિર્માણ અને વિતરણને બેન કર્યું છે.
આ કફ સિરપ ફિક્સ ડોઝ કોમ્બિનેશનથી બનાવવામાં આવતી હોવાથી તેને એફડીસી મેડિસિન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. બાળકોની દવાઓના નિષ્ણાતોની સમિતીએ કરેલી ભલામણ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દવાઓની બાળકોના આરોગ્ય પર ગંભીર આડઅસર થતી હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેનો ઉપયોગ અટકાવવા અગાઉ સૂચના આપી હતી. દિલ્હીની કોર્ટે 24મી એપ્રિલે એટલે કે ગઈકાલે આપેલા ચૂકાદામાં જણાવ્યું છે કે પંદરમી એપ્રિલ પહેલાના સ્ટોક માટે આ નિયમ લાગુ પડશે નહિ તેવું દિલ્હી હાઈકોર્ટે આ સંદર્ભમાં આપેલા ચૂકાદામાં જણાવ્યું છે.
આ દવાઓમાં ગ્લેનમાર્ક કંપનીની એસ્કોરિલ ફ્લુ ડ્રોપ, ગ્લેક્સોસ્મિથ ક્લાઈનની આઈ-મિનિક, ઝુવેન્ટસ હેલ્થકેરની મેક્સ્ટ્રાનો સમાવેશ થાય છે. આ મેન્યુફેક્ચરર્સે તેમની દવાની બોટલ પર ચાર વર્ષથી નીચેના બાળકોને આ દવાઓ આપવી નહિ તેવી ચેતવણી પણ લખવાની રહેશે. જોકે આ દવાઓનો ઉપયોગ અટકાવી દેવા માટેની સૂચનોનો પાછલી મુદતથી અમલ કરવાના સરકારના નિર્ણય સામે ગ્લેનમાર્ક અને ઝુવેન્ટાસ હેલ્થકેરે વાંધો ઊઠાવ્યો છે.
આ દવાઓનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓને દિલ્હી હાઈકોર્ટે સોગંદનામું કરીને 15મી એપ્રિલ 2025 પહેલા તૈયાર કરેલા સ્ટોકની વિગતો આપી દેવાની દરેક કંપનીઓને સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ ફાર્માસિસ્ટ અને અન્ય જાણકારોએ આ દવાના અત્યારે માર્કેટમાં પડેલા સ્ટોકનું શું કરવું તે અંગેની સ્પષ્ટતા કરી આપવા સરકારને જણાવ્યું છે. આ અંગે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સમક્ષ પણ રજૂઆત કરવાની છૂટ કાયદે હેટળ મળેલી છે.
આ પણ વાંચો..ગુજરાતમાં સરકારી કચેરીઓ સવારે 9.30થી સાંજે 5.10 વાગ્યા સુધી શરૂ રાખવા ભલામણ












