ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ભારતીય પાસપોર્ટ નહીં, તો ડોમેસ્ટિક ક્રિકેટ પણ નહીં… BCCIએ બોમ્બે હાઈકોર્ટમાં આપી દલીલ

BCCI OCI players eligibility Bombay High Court: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે વિદેશી પાસપોર્ટ ધરાવતા OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા) કાર્ડધારક ખેલાડીઓ ભારતના સ્થાનિક (ડોમેસ્ટિક) ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. બોર્ડના જણાવ્યા અનુસાર, માત્ર સાચા ભારતીય નાગરિકો જ દેશમાં સ્થાનિક ક્રિકેટ અને ટીમ ઇન્ડિયા વતી રમવા માટે પાત્રતા ધરાવે છે.

માત્ર ભારતીય નાગરિકો જ રમી શકશે રણજી ટ્રોફી

BCCI એ અદાલત સમક્ષ ભારપૂર્વક જણાવ્યું છે કે રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને અન્ય તમામ સ્થાનિક ઘરઆંગણાની ટૂર્નામેન્ટમાં રમવાનો અધિકાર માત્ર અને માત્ર ભારતીય નાગરિકત્વ ધરાવતા ખેલાડીઓ પાસે જ છે.

આ સમગ્ર વિવાદ 12 યુવા ક્રિકેટરોની અરજી સાથે જોડાયેલો છે. આ તમામ ખેલાડીઓ પાસે OCI કાર્ડ તો છે, પરંતુ તેમની પાસે ભારતીય પાસપોર્ટ નથી. તેમણે BCCI ના એ નિયમને હાઈકોર્ટમાં પડકાર્યો છે, જે અંતર્ગત વિદેશી પાસપોર્ટ ધરાવતા ખેલાડીઓ પર ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

OCI કાર્ડ એ ભારતીય નાગરિકતા નથી: BCCI

કોર્ટમાં સુનાવણી દરમિયાન BCCI તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે, OCI કાર્ડ એ ભારતની સત્તાવાર નાગરિકતા નથી. આ કાર્ડ વિદેશી પાસપોર્ટધારકોને ભારતમાં આવવા-જવા માટે અને અહીં રહેવા માટે કેટલીક વિશેષ સુવિધાઓ ચોક્કસ આપે છે, પરંતુ તેનાથી કોઈ વ્યક્તિ કાયદેસર રીતે ભારતનો નાગરિક બની જતો નથી. તેથી, આવા ખેલાડીઓ BCCI ની સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવા હકદાર નથી.

બોર્ડે વધુમાં ઉમેર્યું કે જો કોઈ ખેલાડી વિદેશી નાગરિકતા છોડીને વિધિવત રીતે ભારતની નાગરિકતા મેળવી લે છે અને પોતાનો ભારતીય પાસપોર્ટ બનાવી લે છે, તો તે નિયમો અનુસાર સ્થાનિક ક્રિકેટ રમવા માટે અરજી કરવા પાત્ર બનશે.

13 ઓગસ્ટના રોજ આગામી સુનાવણી

BCCI એ કોર્ટમાં પુનરોચ્ચાર કર્યો કે ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવા અને ભારતીય સ્થાનિક ક્રિકેટના માળખામાં ભાગ લેવા માટે ભારતીય નાગરિક હોવું અનિવાર્ય છે. આ નિયમ ઘણા લાંબા સમયથી અમલમાં છે અને ભેદભાવ વગર તમામ ખેલાડીઓ પર સમાન રીતે લાગુ કરવામાં આવે છે.

હવે આ અત્યંત સંવેદનશીલ મામલે બોમ્બે હાઈકોર્ટનો આખરી નિર્ણય આવવાનો બાકી છે. કોર્ટ દ્વારા આ કેસની આગામી સુનાવણી 13 ઓગસ્ટના રોજ મુકરર કરવામાં આવી છે. હાઈકોર્ટના આ ચુકાદાથી જ નક્કી થશે કે ભવિષ્યમાં OCI કાર્ડ ધરાવતા વિદેશી પાસપોર્ટધારક ખેલાડીઓને ભારતમાં ક્રિકેટ રમવાની તક મળશે કે નહીં.

આ પણ વાંચોઃ National Film Award 2026: રાજકુમાર રાવની શ્રીકાંતને શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક: લોકસભા સ્પીકરે ઉદ્ધવ સેનાના 6 બળવાખોર સાંસદોના શિંદે જૂથમાં વિલીનીકરણને આપી મંજૂરી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button