બનાસકાંઠા: ડીસામાં ધોધમાર વરસાદ ખાબકતા ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાલનપુર: ચાલુ વર્ષે રાજ્યભરમાં ચોમાસાની સારી શરૂઆત થઈ હતી. બનાસકાંઠા જિલ્લા સહિત ડીસામાં પણ શરૂઆતના રાઉન્ડમાં વરસાદ સારો રહ્યો હતો, પરંતુ છેલ્લા 15 દિવસથી એકધારા વાદળછાયા વાતાવરણ તેમજ ભારે ઉકળાટ અને ગરમી હોવા છતાં પણ વરસાદ વરસતો નહોતો. ત્યારે શનિવારે બપોર બાદ ડીસામાં ભારે વરસાદી ઝાપટાથી લોકોને ખૂબ જ રાહત થવા પામી છે.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ જ રાઉન્ડમાં સીઝનનો 25%થી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વરસાદના બીજો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં શરૂ થયો હતો, પરંતુ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદે હાથ તાળી આપી હતી. છેલ્લા 15 દિવસથી ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, આકાશમાં કાળા ડિબાંગ વાદળો, તીવ્ર ગરમી, ઉકળાટ, બફારો હોવા છતાં પણ ક્યારેક સામાન્ય વરસાદ પડતો હતો. એક તરફ પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી, પરંતુ ત્યાર પછી વરસાદના બીજા રાઉન્ડમાં વરસાદે હાથ થાળી આપતા ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા.
ત્યારે આજે બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે વાવેતર માટે ખૂબ જ લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. ભારે વરસાદના કારણે ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે નગરપાલિકાએ રીપેરીંગ કરેલા રસ્તા પણ ધોવાઈ જવા પામ્યા હતા.











