ટ્રેન્ડિંગનેશનલ

રામ મંદિરને કાલે મળશે પહેલો CEO! ત્રણ નામો પર મંથન તેજ

Ram Janmabhumi CEO: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ CEO ની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 5,585 અરજીઓથી શરૂ થયેલી શોધ હવે માત્ર ત્રણ નામો સુધી સીમિત થઈ ગઈ છે. સર્ચ કમિટીએ 1 સપ્ટેમ્બરે આ ત્રણ નામોની પેનલ ટ્રસ્ટને સોંપી દીધી છે. હવે 2 સપ્ટેમ્બરે યોજાનારી ટ્રસ્ટની બેઠકમાં આ નામો પર ચર્ચા થશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં જ પ્રથમ CEO ના નામ પર આખરી નિર્ણય લેવાઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ મહત્વપૂર્ણ પદ માટેની પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે યોગ્યતા અને પારદર્શિતાના આધારે નક્કી કરવામાં આવી હતી. શરૂઆતમાં મળેલી 5,585 અરજીઓની ટેકનિકલ અને મેન્યુઅલ ચકાસણી માટે દિલ્હી-એનસીઆર, પુણે અને સંબલપુરમાં અલગ-અલગ ટીમો રોકવામાં આવી હતી. દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કર્યા પછી 16 ઉમેદવારોને ફાઈનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ તમામ સાથે પહેલા 3 થી 6 ઓગસ્ટ સુધી ઓનલાઈન વાતચીત થઈ, ત્યારબાદ 11 અને 12 ઓગસ્ટે અયોધ્યા બોલાવીને રૂબરૂ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો.

નિષ્ણાતોની સમિતિએ કરી પસંદગી

CEO ની પસંદગી માટે બનેલી સર્ચ કમિટીમાં ન્યાયમૂર્તિ (નિવૃત્ત) પ્રમોદ કોહલી, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) વી.કે. ચતુર્વેદી અને ડો. સુરેશ હાવરે સામેલ હતા. કમિટીના સભ્યો પાસે ન્યાયતંત્ર, સેના અને અણુ વિજ્ઞાનના ક્ષેત્રનો વિશાળ અનુભવ છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી: ટપાલ દ્વારા મોકલાયો પત્ર

ઉમેદવારોને નેતૃત્વ ક્ષમતા, સંચાલન, કામનો અનુભવ, સત્યનિષ્ઠા અને દુરંદેશી જેવા ધોરણો પર પરખવામાં આવ્યા હતા. કમિટીનો આખરી રિપોર્ટ સોંપતી વખતે ગોવિંદદેવ મહારાજ, સંત દિનેન્દ્ર દાસ, કૃષ્ણ મોહન, શશાંક ત્રિપાઠી, દિનેશ, જગદીશ આફલે, જગન્નાથ ગુલવે અને બજરંગ બાગડા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સર્ચ કમિટીના સચિવ સમીર પંડાએ જણાવ્યું હતું કે સમગ્ર પસંદગી પ્રક્રિયા નિર્ધારિત સમય કરતાં પહેલાં જ પૂરી કરી લેવામાં આવી છે.

1 જુલાઈથી શરૂ થઈ હતી પ્રક્રિયા

CEO ની પસંદગીની પ્રક્રિયા 1 જુલાઈએ શરૂ થઈ હતી. તે દિવસે પસંદગી પ્રક્રિયા અને પાત્રતાના ધોરણો અંગે પ્રથમ બેઠક યોજાઈ હતી. 6 જુલાઈએ પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી. 14 જુલાઈએ સમીર પંડાને કમિટીના સચિવ બનાવાયા હતા. 18 જુલાઈએ અરજી પ્રક્રિયા બંધ થઈ હતી.

ત્યારબાદ જુલાઈ મહિનામાં અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી. ઓગસ્ટમાં ઓનલાઈન વાતચીત પછી અંતિમ 16 ઉમેદવારો સાથે અયોધ્યામાં રૂબરૂ મુલાકાત કરાઈ હતી. 1 સપ્ટેમ્બરે ત્રણ નામોની પેનલ ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે. હવે 2 સપ્ટેમ્બરની બેઠકમાં નક્કી થશે કે આ ત્રણ નામોમાંથી કોને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ CEO બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ શ્રીકૃષ્ણ જન્મ સમયે બન્યા હતા આ શુભ યોગ, જાતે ખુલ્યા હતા કારાવાસના દરવાજા

Back to top button