બીજેપી અધ્યક્ષ બનતા જ એક્શન મોડમાં આવ્યા નિતિન નવીન, વિનોદ તાવડે, રામ માધવ, સતીશ પુનિયાને સોંપી આ જવાબદારી

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ નિતિન નવીન પદ સંભાળતા જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે વિનોદ તાવડેને કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. તેમ જ ગ્રેટર બેંગ્લુરુ કોર્પોરેશન ચૂંટણી માટે રામ માધવને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. સતીશ પુનિયા અને સંજય ઉપાધ્યાયને ચૂંટણી સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. વિનોદ તાવડેને ચંડીગઢના નવા મેયરની ચૂંટણીની દેખરેખનો પણ પ્રભાર આપવામાં આવ્યો છે. પાર્ટીના મહાસચિવ અરુણ સિંહ તરફથી આ સંબંધમાં પત્ર જારી કરી દેવામાં આવ્યો છે.
શોભા કરંદલાજે સહ પ્રભારી
ભારતીય જનતા પાર્ટી તરફથી જારી કરાયેલા પત્ર અનુસાર પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેને કેરળના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી એપ્રિલમાં સંભવિત છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે અધિસૂચનામાં કહ્યું, ‘‘ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને આવનારી કેરળ વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેને પાર્ટીના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.’’ તેમણે કહ્યું, ‘‘આ નિયુક્તિ તત્કાલ અસરથી લાગુ થાય છે.’’ તેમ જ વિનોદ તાવડેને ચંડીગઢના નવા મેયર ચૂંટણીની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
તેલંગાણા નગર નિગમ ચૂંટણી માટે આશીષ શેલારને સોંપી જવાબદારી
આવનારી તેલંગાણા નગર પાલિકા અને નિગમ ચૂંટણી માટે પણ ચૂંટણી પ્રભારી અને ચૂંટણી સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આશીષ શેલારને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે રાજસ્થાનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક પરણામીને ચૂંટણી સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. રેખા શર્મા રાજ્યસભા સાંસદને ચૂંટણી સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.
રામ માધવને ગ્રેટર બેંગ્લુરુ કોર્પોરેશન ચૂંટણીની જવાબદારી
બીજેપીના સિનિયર નેતા રામ માધવને ગ્રેટર બેંગ્લુરુ કોર્પોરેશન ચૂંટણી માટે પાર્ટીએ ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. તેમ જ સહ ચૂંટણી પ્રભારીની જવાબદારી રાજસ્થાન બીજેપીના પૂર્વ અધ્યક્ષ સતીશ પુનિયા અને મહારાષ્ટ્રથી પાર્ટીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયને સોંપવામાં આવી છે. આ તમામ નિયુક્તિ તત્કાલ અસરથી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે નિતિન નવીને મંગળવારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળવા સાથે પાર્ટીના એક નવા અધ્યાયની શરૂઆત થઈ ગઈ. તેમણે જે.પી.નડ્ડાની જગ્યા લીધી છે. નવીન એવા સમયે બીજેપી અધ્યક્ષ બન્યા છે જ્યારે તે દેશની રાજનીતિ પર પોતાની પકડ વધુ મજબૂત કરવાની કોશિશ કરી રહી છે અને પાર્ટી સંગઠનમાં પેઢીગત બદલાવ દ્વારા પોતાનો પ્રભાવ વિસ્તાર કરવા માંગે છે. આ અવસર પર અહીં બીજેપી મુખ્યાલયમાં એક સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે વાત પાર્ટીના વિષયોની આવે છે, તો તે એક કાર્યકર્તા છે અને ‘‘માનનીય નિતિન નવીન જી’’ તેમના ‘બોસ’ છે.
આ પણ વાંચો : પાકિસ્તાનના ધાકડ ઓલરાઉન્ડરે કરી રિટાયરમેન્ટની જાહેરાત, વર્ષ 1999માં થયું હતું ડેબ્યૂ












