ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમીડિયા

માયાભાઈના પુત્ર જયરાજ આહીરની ધરપકડ: નવનીત બાલધિયા મારપીટ કેસમાં SITની કાર્યવાહી

ભાવનગર, 24 જાન્યુઆરી : નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસ તેજ બની છે, જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે આજે બપોરે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવતાં જયરાજ હાજર થયો છે. SIT દ્વારા સતત બે કલાકથી જયરાજ આહીરની પૂછપરછ કરવામાં આવી રહી હતી. જે બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. SIT દ્વારા આ કેસમાં જયરાજ આહીરની પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત પણ તહેનાત કરી દેવામાં આવ્યો હતો.

આ કેસની ઊંડાણપૂર્વક તપાસ આગળ વધારતા SITએ પુરાવા તથા નિવેદનોના આધારે આરોપીઓ વચ્ચેના મોબાઈલ સંવાદ, તેમની લોકેશન વિગતો અને અન્ય મહત્વપૂર્ણ ડેટાની ઉચ્ચ સ્તરે સઘન ચકાસણી કરી હતી. આ તપાસ દરમિયાન જયરાજ આહીરની સંડોવણી દર્શાવતા પૂરતા પુરાવા મળ્યા હતા. તેના આધારે વધુ ખુલાસાઓ માટે તેને SIT સમક્ષ હાજર થવા બોલાવવામાં આવ્યો હતો. આજની પૂછપરછ દરમિયાન પણ હુમલાની ઘટનામાં તેની ભૂમિકા અંગે મજબૂત પુરાવા સામે આવતા, SITએ જયરાજ આહીરની આ ગુનામાં ધરપકડ કરી છે.

ત્રણ દિવસ અગાઉ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા, ત્યારબાદ SIT તપાસ એજન્સી સમક્ષ હાજર થયો હતો. આ કેસ સંદર્ભે SITએ જયરાજ આહીરની લગભગ સાડાત્રણ કલાક સુધી લાંબી અને વિગતવાર પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે SIT દ્વારા પૂછાયેલા તમામ પ્રશ્નોના તેણે સ્પષ્ટ જવાબ આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ કેસમાં આગળ પણ જ્યારે પણ SIT તરફથી બોલાવાશે, ત્યારે તેઓ તપાસમાં સહયોગ આપવા હાજર રહેશે.

શું છે સમગ્ર મામલો?

આ ઘટનાની શરૂઆત 24 ડિસેમ્બર 2025ના રોજ મુંબઈના કાંદિવલીમાં માયાભાઈ આહીરના કાર્યક્રમથી થઈ હતી. ત્યાં માયાભાઈએ બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરનું ખોટું નામ લીધું, જેના પર નવનીત બાલધિયાએ ફોન કરીને ટકોર કરી હતી. માયાભાઈએ માફીનો વીડિયો મોકલ્યો, પરંતુ તે વાયરલ થયા બાદ નવનીત પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ તેમને માર મારીને ગંભીર ઈજા પહોંચાડી, હાથ-પગમાં ફ્રેક્ચર કર્યા અને મોબાઈલ તોડી નાખ્યા. નવનીતનો આરોપ છે કે આ હુમલો જયરાજ આહીરના ઇશારે કરાયો હતો.

આ પણ વાંચો :સુરત: 7 વર્ષના મૃત દીકરાને ખભે ઊંચકીને ચાલી નીકળ્યા પિતા, વીડિયો વાયરલ

Back to top button