કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં વધુ એક મર્ડર : નવા થોરાળામાં રૂપિયા આપવાની ના પાડતા પતિએ પત્નીને રહેંસી નાંખી

  • શહેરના 80 ફુટ રોડ પર ખોડિયારપરાનો મધરાતનો બનાવ
  • મધ્‍યપ્રદેશની પરિણીતા અંજલી અહેરવાર (ઉ.વ.30)ની થઈ હત્યા
  • બે મહિના પહેલા જ રાજકોટ રહેવા આવી હતી
  • વતનમાં રહેતો પતિ પુષ્‍પેન્‍દ્ર અહેરવાર પગારના રૂપિયા લેવા આવ્યો હતો
  • પત્નીની હત્યા કરી થઈ ગયો ફરાર

રાજકોટ શહેરમાં હત્‍યાની વધુ એક ઘટના બની છે. બે દિવસ પૂર્વે આંબેડકરનગરમાં એક પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી પોતાના બે માસુમ સંતાનની હત્‍યા કરી પોતે આપઘાત કરી લીધો હતો. તેવામાં આજે શનિવારે નવા થોરાળા વિસ્તારમાં 80 ફુટ રોડ પર ખોડિયારપરામાં બે મહિના પહેલા જ રહેવા આવેલી અને કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતી મધ્‍યપ્રદેશની પરિણીતાની તેના જ પતિએ રૂપિયા બાબતે ઝઘડો કરી ઉશ્કેરાટમાં આવી માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ક્રુર હત્‍યા કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પરિણીતાને તેની બહેને લોહીલુહાણ જોઈ હતી

મળતી માહિતી મુજબ નવા થોરાળામાં 80 ફુટ રોડ પર આજી વસાહત પાસેના ખોડિયાર પરા-૧૬માં સંઘાર હોટલ પાસે ભાડના મકાનમાં રહેતી મધ્‍યપ્રદેશની અંજલી પુષ્‍પેન્‍દ્ર અહેરવાર (ઉ.વ.30)ની તેના જ પતિ પુષ્‍પેન્‍દ્ર કરીયાભાઇ અહેરવારે રાત્રીના માથામાં છરીનો ઘા ઝીંકી હત્‍યા કરી નાંખતા અને ભાગી જતાં વિસ્‍તારમાં ચકચાર મચી ગઇ હતી. સવારે નજીકમાં જ રહેતાં અંજલીની બહેન નીતા તેણીના ઘરે આવી હતી. દરવાજો ખખડાવા છતાં ન ખોલતાં બળપુર્વક ધક્કો મારીને અંદર જતાં બહેન અંજલી માથે ઓઢીને અંજલી સુતેલી દેખાતાં તેણીએ તેને જગાડવા માટે ચાદર દૂર હટાવતાં જ અંજલી લોહીલુહાણ અને મૃત દેખાઇ હતી.

મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

બનાવની જાણ થતાં અંજલીના કાકા, સાસુ-સસરા તથા અડોશી પડોશી એકઠા થઇ ગયા હતાં. 108ને બોલાવાઇ હતી. પણ તેના તબિબે અંજલીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા થોરાળા પોલીસને જાણ કરવામાં આવતાં પીઆઇ ડો. એલ. કે. જેઠવા, પીએસઆઇ જી. એસ. ગઢવી, પીએસઆઇ એન. બી. ડાંગર, ધીરૂભાઇ અઘેરા સહિતની ટીમ તત્‍કાળ પહોંચી હતી અને કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

પતિ કઈ કામધંધો કરતો ન હતો : મૃતકના કાકા

દરમિયાન પોલીસે તેના પરિજનોની પુછપરછ શરૂ કરી હતી જેમાં હત્‍યાનો ભોગ બનનાર અંજલીના કાકા રામપ્રસાદ અહેરવારે જણાવ્યું હતું કે તેઓ પણ ખોડિયારપરામાં જ રહે છે. રામપ્રસાદે કહ્યું હતું કે મારી ભત્રીજી અંજલીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તે છ બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતી. અંજલીના સાસુ સુખબાઇબેન અને સસરા કરીયાભાઇ અહેરવાર પણ ખોડિયારપરામાંં રહે છે. અંજલીને સંતાનમાં દોઢ વર્ષનો એક પુત્ર પ્રિયાંશુ છે. તેણી બે અઢી મહિના પહેલા રાજકોટ સાસુ-સસરા પાસે રહેવા આવી હતી અને કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતી હતી. જો કે તેનો પતિ પુષ્‍પેન્‍દ્ર અહેરવાર વતન એમપીમાં જ રહે છે. તે દભોઇ જીલ્લાના સાતપાડા ગામે જ રહેતો હતો. ત્‍યાં તે કંઇ કામધંધો કરતો નથી.

દર મહિને પૈસા લેવા રાજકોટ આવી જતો

પત્‍નિ રાજકોટ આવી નોકરીએ લાગી હોઇ તેનો પગાર આવવાનો હોઇ તેના એક બે દિવસ પહેલા તે રાજકોટ આવતો હતો અને પગાર આવે એટલે પત્‍નિ સાથે માથાકુટ કરી પૈસા પડાવી ભાગી જતો હતો. આ વખતે પણ પહેલી તારીખ નજીક આવતાં ગયા સોમવારે પુષ્‍પેન્‍દ્ર રાજકોટ આવ્‍યો હતો. ગઇકાલે રાતે તેણે પત્‍નિ પાસે પૈસા માંગ્‍યા હતાં. પત્‍નિએ ઘરખર્ચ માટે પોતાને પણ પૈસાની જરૂર હોઇ પૈસા આપવાની ના પાડતાં તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને માથામાં છરી કે કોઇ હથીયારનો ઘા ઝીંકી ભાગી ગયો હતો. લોહીલુહાણ થઇ અંજલી મોતને ભેટી હતી.

Back to top button