‘કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું’, BJP સાંસદ મિતેશ પટેલનું વિવાદિત નિવેદન

Local Body Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાગરમ પ્રચાર વચ્ચે BJPના આણંદ લોકસભા સાંસદ મિતેશ પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.
‘જો કોંગ્રેસ જીતશે તો આંકલાવને ગ્રાન્ટ નહીં આપું’
આંકલાવમાં યોજાયેલી જનસભામાં મિતેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “કોંગ્રેસને આંકલાવમાં એક બેઠક પણ જીતવા દેવાની નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “જો કોંગ્રેસ જીતશે તો આંકલાવને એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું.” ચૂંટણી પ્રચાર દરમિયાન આંકલાવના નાગરિકોને આપેલી આ ધમકીભર્યા નિવેદને રાજકીય વાતાવરણમાં ભારે હલચલ મચાવી દીધી છે. વિરોધી પક્ષો તેને “વિકાસનું રાજકારણ” ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ચૂંટણી લોકોની મરજી અને મતની અભિવ્યક્તિ
નેતાઓ દ્વારા વિરોધી પક્ષને જીતવા ન દેવાની કે જીતે તો વિકાસના કામ અટકાવવાની ધમકી આપવી સંપૂર્ણ રીતે ગેરલાયક અને અસ્વીકાર્ય છે. લોકતંત્રમાં ચૂંટણી લોકોની મરજી અને મતની અભિવ્યક્તિ છે. કોઈપણ નેતા અથવા પક્ષને વિકાસને મતદારોની પસંદગી સાથે જોડવાનો અધિકાર નથી. આવી વાતો મતદારોને ડરાવવા માટે હોય છે અને નિર્ભય મતદાનના હકને નુકસાન પહોંચાડે છે. વિકાસ દરેક નાગરિક અને દરેક વિસ્તારનો અધિકાર છે, કોઈ એક પક્ષની જીત પર આધારિત નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નેતાઓમાં સમજદારીનો અભાવ
આવી ધમકીઓ આપતા નેતાઓમાં સમજદારીનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે, જે લોકોના વિશ્વાસને ઓછો કરે છે. સાચું રાજકારણ એ છે કે વિકાસને પ્રાથમિકતા આપવી, ધમકીઓ નહીં. સવાલ હવે એ ઊભો થાય છે કે, વિકાસનો માર્ગ પસંદ કરવો કે ધમકીની રાજનીતિને સ્વીકારવી? આંકલાવના જાગૃત મતદારો આ વખતે પોતાની સમજ અને વિચારોના આધારે કોને પસંદ કરશે, તે જોવું રસપ્રદ બનશે.












