અમેરિકાએ લગાવી 3531 ટકા ટેરિફ, ચીન સહિત આ દેશો વિરુદ્ધ ટ્રમ્પની મોટી કાર્યવાહી

વોશિંગ્ટન, 23 એપ્રિલ, 2025: અમેરિકાએ એક ચોંકવાનારો નિર્ણય લેતા સાઉથ ઇસ્ટ એશિયાના ચાર દેશોમાંથી આવતી સોલાર પેનલો પર 3,521 ટકા સુધીની ભારે ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે. આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યુ છે જ્યારે અમેરિકી સોલાર મેન્યુફેક્ચરીંગ કંપનીઓએ સરકારને ફરિયાદ કરી હતી કે સસ્તી કિંમતો પર વિદેશી કંપનીઓ તેમના બજારને નુકસાન પહોંચાડી રહી છે.
અમેરિકાના વાણિજ્ય વિભાગ એક વર્ષ લાંબી તપાસ બાદ એવા નિષ્કર્ષ પર આવ્યો છે કે ચીનની અનેક કંપનીઓ કંબોડીયા, મલેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામમાં ઉત્પાદન કરી રહી છે અને ત્યાંતી પ્રોડક્ટ અમેરિકામાં મોકલી રહી છે, જેનાથી અમેરિકાના ઉદ્યોગને ભારે નુકસાન થઇ રહ્યુ છે.
અમેરિકાએ ઉઠાવ્યુ મોટુ પગલું
જે કંપનીઓએ તપાસમાં સહયોગ આપ્યો ન હતો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે, જેમ કે કંબોડીયાની કેટલીક કંપનીઓ પર 3,521 ટકા સુધીનો કર લગાવવામાં આવ્યો છે, જ્યારે મલેશિયાની ચાઇનીંધ કંપની જિન્કો સોલારની પ્રોડક્ટ પર 41 ટકા અને થાઇલેન્ડમાં ટ્રિના સોલારની પ્રોડક્ટ પર 375 ટકા સુધીનો કર લાદવામાં આવ્યો છે. અમેરિકાનું કહેવુ છે કે સસ્તી કિંમતો પર પ્રોડક્ટ સપ્લાય કરી રહી છે એટલે કે ડંપીંગ કરી રહી છે, તેની પાછળ ચીન દ્વારા અપાતી સબસિડી મોટો ભાગ ભજવે છે.
આ પગલાથી ચોક્કસપણે અમેરિકન સોલર મેન્યુફેક્ચરિંગને ફાયદો થશે. અમેરિકન ઉત્પાદકોના જૂથ ‘અમેરિકન એલાયન્સ ફોર સોલર મેન્યુફેક્ચરિંગ’એ આ નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે આનાથી અમેરિકાની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા મજબૂત થશે અને સાબિત થાય છે કે ચીની કંપનીઓ લાંબા સમયથી સિસ્ટમનો ખોટો લાભ ઉઠાવી રહી છે.
સૌર ઉત્પાદનોના ભાવ વધી શકે છે
2023માં, અમેરિકાએ આ ચાર દેશોમાંથી લગભગ 12 અબજ ડોલર (લગભગ રૂ. 1 લાખ કરોડ)ના સોલર સાધનોની આયાત કરી હતી. તેથી આ નિર્ણયને માત્ર વ્યાપારી જ નહીં પરંતુ વ્યૂહાત્મક પણ ગણવામાં આવી રહ્યો છે. જો કે, તેના પરિણામે જેમને અત્યાર સુધી સસ્તી સોલાર પેનલનો લાભ મળતો હતો તેવા સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓને પણ અસર કરી શકે છે. નવા ટેરિફને કારણે સૌર ઉત્પાદનોની કિંમતો વધી શકે છે અને ઇન્સ્ટોલેશન મોંઘું થઈ શકે છે.
આ નિર્ણયનો સમય એટલા માટે પણ ખાસ છે કારણ કે તાજેતરમાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગે વિયેતનામ, મલેશિયા અને કંબોડિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ આ દેશો સાથેના સંબંધો મજબૂત કરવાનો અને અમેરિકન દબાણનો સામનો કરવાનો હતો. આવી સ્થિતિમાં, આ નિર્ણય બંને દેશો વચ્ચે વધતા વેપાર તણાવની બીજી કડી હોવાનું જણાય છે.
અમેરિકાએ પહેલાથી જ ચીનથી આવતા ઉત્પાદનો પર 145 ટકા સુધીનો ટેક્સ લગાવ્યો છે અને હવે કેટલાક કિસ્સામાં આ કુલ ટેક્સ 245 ટકા સુધી પહોંચી શકે છે. તેના જવાબમાં ચીને પણ અમેરિકન ઉત્પાદનો પર 125 ટકા ટેક્સ લાદીને વળતો જવાબ આપ્યો છે અને “છેલ્લા શ્વાસ સુધી લડવાની” ચેતવણી આપી છે. તે સ્પષ્ટ છે કે આ માત્ર સૌર ઉર્જા વિશે નથી, પરંતુ તે એક નવા વેપાર યુદ્ધની શરૂઆત હોઈ શકે છે, જે સમગ્ર વિશ્વના ગ્રીન એનર્જી ક્ષેત્રને અસર કરશે.
આ પણ વાંચોઃ આઈપીએલ 2025 : લખનૌએ આપેલા ટાર્ગેટને 18મી ઓવરે જ દિલ્હીએ ચેઝ કર્યા, 8 વિકેટે જીત, રાહુલ-પોરેલની ફિફ્ટી











