ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ: ભાડજમાં 1 કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વાવેતર

AMC Record: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે એક અભૂતપૂર્વ ઇતિહાસ રચવામાં આવ્યો છે. અમદાવાદના ભાડજ વિસ્તારમાં આયોજિત એક મહાઅભિયાન અંતર્ગત માત્ર એક જ કલાકની અંદર મિયાવાકી પદ્ધતિથી 3.61 લાખથી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક વૃક્ષારોપણ કરીને ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ’ (Guinness World Record) સ્થાપવામાં આવ્યો છે.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, શહેરી વિકાસ મંત્રી, અમદાવાદના મેયર, મુખ્ય સચિવ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓએ હાજરી આપીને આ હરિયાળી ઝુંબેશમાં પોતાનો ફાળો આપ્યો હતો.

91,006 ચોરસ મીટર વિસ્તારમાં 25 હજારથી વધુ વોલેન્ટિયર્સ જોડાયા

આ રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા થલતેજ વોર્ડમાં ટી.પી. 30, એફ.પી. નં. 255 અને 246 (સત્વમ હાઇટ્સ પાસે, ગોતા-ગોધવી કેનાલની બાજુમાં, ભાડજ) ખાતે કરવામાં આવ્યું હતું. કુલ ૯૧,૦૦૬ ચોરસ મીટર વિસ્તારમાંથી 76,000 ચોરસ મીટર જેટલી વિશાળ જમીન પર આ મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોના કર્મચારીઓ, સ્કૂલ બોર્ડ, બીએપીએસ (BAPS) સંસ્થા, ક્રેડાઈ (CREDAI), પોલીસ સ્ટાફ, એનસીસી (NCC) ના વિદ્યાર્થીઓ, વિવિધ શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓ, એનજીઓ (NGO) અને શહેરના સામાન્ય નાગરિકો મળીને 25,000થી વધુ સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા. તમામના સામૂહિક સહયોગથી આટલો મોટો વૈશ્વિક રેકોર્ડ શક્ય બન્યો છે.

35 સ્થાનિક પ્રજાતિના રોપાઓથી ધમધમશે ગ્રીન કવર

આ અભિયાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પર્યાવરણને અનુકૂળ એવી 35 જેટલી જુદી જુદી સ્થાનિક (Indigenous) પ્રજાતિના રોપાઓ પસંદ કરવામાં આવ્યા છે. મિયાવાકી પદ્ધતિથી રોપાયેલા આ વૃક્ષો ખૂબ જ ઝડપથી મોટા થાય છે.

આ મિની જંગલ ભવિષ્યમાં અમદાવાદ શહેરમાં જૈવ વિવિધતાના સંવર્ધન, વાયુ પ્રદૂષણમાં ઘટાડો, કાર્બન શોષણ અને ગરમી તેમજ તાપમાનના નિયંત્રણમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. આ વૈશ્વિક સિદ્ધિ સાથે અમદાવાદે પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી અને મજબૂત ઓળખ ઊભી કરી છે, જે આવનારી પેઢીઓને એક સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ ભેટમાં આપશે.

આ પણ વાંચોઃ વડોદરાની માંજલપુર બેઠક પર જામશે જંગ: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

આ પણ વાંચોઃ મકાઈ, જુવાર, બાજરી કે ઘઉં? જાણો કઈ રોટલી સૌથી વધુ ફાયદાકારક

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button