ગુજરાત

AI વડે નકલી પોલીસનો રોફ જમાવવો ભારે પડ્યો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટપોરીની ધરપકડ કરી અસલી પોલીસ વચ્ચે માફી મંગાવી

Ahmedabad News: આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી લોકો અવનવા વીડિયો બનાવી રહ્યા છે, પરંતુ અમદાવાદમાં એક યુવકને રીલ બનાવવામાં AI નો આ નુસખો ભારે પડી ગયો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજ પાસે એક યુવકે પોતાના એક્ટિવા સ્કૂટર પર બેસીને ફોટો પડાવ્યો હતો. ત્યારબાદ તેણે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે ફોટામાં પોતાની આસપાસ અસંખ્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં ઊભા હોય તેવો એક નકલી વીડિયો તૈયાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર પોતાનો રોફ જમાવવા માટે યુવકે આ વીડિયો અપલોડ કર્યો હતો, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો.

વીડિયો વાયરલ થતાં ક્રાઈમ બ્રાન્ચે એક્ટિવાના નંબરથી શોધી કાઢ્યો

આ નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની છબી પર સવાલો ઊભા થયા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. વાયરલ વીડિયોમાં યુવકના એક્ટિવાનો નંબર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ કરતાં આ ટપોરી યુવક બાપુનગર વિસ્તારનો રહેવાસી મોહસીન કુરેશી હોવાનું ખૂલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે લોકેશન ટ્રેસ કરીને યુવકની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન યુવકે સ્વીકાર્યું હતું કે તેણે માત્ર લોકોમાં વટ પાડવા માટે AI ની મદદથી આ નકલી વીડિયો બનાવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નકલી પોલીસ હટાવી અસલી પોલીસ વચ્ચે બનાવ્યો નવો વીડિયો

યુવકે તેના વીડિયોમાં AI થી જે નકલી પોલીસ ઊભી કરી હતી, તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાસ્તવિકતામાં બદલી નાખી હતી. પોલીસે મોહસીન કુરેશીની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં તેની આજુબાજુ અસલી પોલીસ અધિકારીઓ ઊભા રાખીને એક નવો અસલી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં યુવક પાસે તેની ભૂલ બદલ જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર સસ્તો પ્રચાર મેળવવા માટે AI નો દુરુપયોગ કરનારા આ યુવકને અસલી પોલીસનો પરચો મળતાં જ તેનો બધો રોફ ગાયબ થઈ ગયો હતો.

આ પણ વાંચો: વિદેશી બેંકમાંથી લોન અપાવવાના નામે છેતરપિંડી: વડોદરાના સ્ટીલ વેપારી પાસેથી 17.71 લાખ રૂપિયા પડાવનાર ઠગ સામે ગુનો દાખલ

Back to top button