અમદાવાદ: AMCએ 5 વર્ષના સમયમાં રોડ પાછળનો કરેલ ખર્ચનો આંકડો જાણી દંગ રહેશો

- ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ઠપકો
- રોજ કોર્પોરેશનને રોડ સંબંધી ૪૧૯ ઓનલાઈન ફરિયાદ મળે છે
- ખાડા પડશે જ એવી દહેશત રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે વ્યકત કરી હતી
પાંચ વર્ષના સમયમાં અમદાવાદમાં રોડ રીસરફેસ કરવા, નવા બનાવવા જેવી કામગીરી માટે રૂપિયા ૪૬૬૯ કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. આમ છતાં સારા રોડનો અભાવ છે. રોજ કોર્પોરેશનને રોડ સંબંધી ૪૧૯ ઓનલાઈન ફરિયાદ મળે છે. આ ઉપરાંત ઓફલાઈન મળતી ફરિયાદ કેટલી આવતી હશે એની વિગત ઉપર ઢાંકપિછોડો કરાઈ રહયો છે.રોડના કામમા ભ્રષ્ટાચારી વહીવટથી પ્રજાના પૈસા વેડફાયાનો આક્ષેપ મ્યુનિસિપલ વિપક્ષનેતાએ કર્યો છે.
લોકોની હાલાકીમાં વધારો કરાતો હોવાનો આક્ષેપ
વર્ષ-૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ દરમિયાન નવા રોડ બનાવવા પાછળ રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા રૂપિયા ૨૨૮૩ કરોડ , સાત ઝોનમાંથી રુપિયા ૬૭૨ કરોડ તથા સ્વર્ણિમ યોજના અંતર્ગત રુપિયા ૧૭૧૪.૮૬ કરોડ મળી પાંચ વર્ષમાં રુપિયા ૪૬૬૯.૮૬ કરોડ જેટલી માતબર રકમ રોડ સંબંધિત કામગીરી પાછળ ખર્ચ કરાઈ છે. વરસાદની મોસમમાં છેલ્લા પાંચ વર્ષના સમયમાં રોડ ઉપર ૩૩૬ મોટા ભુવા પડયા હતા.વર્ષ-૨૦૨૪માં ચોમાસા દરમિયાન ૪૮ વોર્ડમાં આવેલા વિવિધ રસ્તાઓ ઉપર ૧૯ હજારથી વધુ ખાડા પુરવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ઠપકો આપવા છતાં વહીવટી તંત્ર શહેરમાં એક પણ સારો રસ્તો આપી શકતુ નથી. સારા રસ્તા આપવાના બદલે મોડેલ રોડ, આઈકોનિક રોડ અને સિમેન્ટ રોડ જેવા અખતરા વારંવાર કરી લોકોની હાલાકીમાં વધારો કરાતો હોવાનો આક્ષેપ મ્યુનિસિપલ વિપક્ષનેતાએ કર્યો છે.
ખાડા પડશે જ એવી દહેશત રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે વ્યકત કરી હતી
આ ચોમાસામાં અમદાવાદના અનેક રોડ ઉપર ખાડા પડશે જ એવી દહેશત રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે વ્યકત કરી હતી. ચોમાસામાં રોડ ઉપર પડતા ખાડા તાકીદે પુરવા માટે રોડ કમિટીની બેઠકમાં ઈજનેરોને હોટ મિકસ સહિતનુ મટીરીયલ તૈયાર રાખવા સુચના આપી છે. ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હાલમાં રોડના કયા વિસ્તારમાં કેટલા કામ ચાલી રહયા છે એની વિગત નહીં આપી શકેલા ચેરમેને રોડ ઉપર પડતા ખાડા પુરવા તાકીદ જરૂર કરી છે.












