અમદાવાદ: નિકોલમાં VHP દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન; લવ જેહાદના ફ્લોટ્સને કારણે શોભાયાત્રા અટકી

6 એપ્રિલ 2025 અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત ભરમાં રામનવમીના પર્વની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે શહેરના ભઠ્ઠા પાલડી વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં ભાજપના શહેર પ્રમુખ, ધારાસભ્ય અમિતભાઈ શાહ તથા કાર્યકર્તાઓએ મળીને ભગવાન રામની આરતી કરી હતી સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી ઉજવણી પણ કરવામાં આવી હતી. આ સાથે દરરોજની જેમ આ વર્ષે પણ શહેરના નિકોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પરંતુ શોભાયાત્રામાં લવ જેહાદના બેનરો જોતા પોલીસે અટકાવ્યા હતા જે બાદ VHPના કાર્યકર્તાઓએ જાહેર રસ્તા ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ પોલીસની સમજાવટ બાદ ફરીથી શોભાયાત્રા શરૂ કરી દેવામાં આવી હતી.
15 અલગ અલગ આકર્ષક ફ્લોટ્સ રખાયા
શહેરના નિકોલ વિસ્તારમાં આ વખતે નીકળેલી શોભાયાત્રામાં 15 અલગ અલગ ફ્લોટ્સ રાખવામાં આવ્યા હતા જેમાં ભગવાન શંકર, હનુમાનજી, ભગવાન શ્રીકૃષ્ણ, તેમજ શેષનાગ પર બિરાજતા શ્રીરામ આબેહૂબ મૂર્તિમાં કંડારાયેલા જોવા મળ્યા હતા. સાથે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો હુંકાર કરવામાં આવ્યો હતો. પરંતુ શોભાયાત્રા દરમિયાન લવ જેહાદના બેનરો પોલીસની નજરે ચડતા શોભાયાત્રાને અટકાવવામાં આવી હતી. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ રસ્તા ઉપર બેસીને જ હનુમાન ચાલીસા બોલાવી હતી અને પોલીસ સામે નારેબાજી કરી હતી. જોકે ઉગ્ર બોલાચાલીની સાથે મામલો શાંત પડતા ફરીથી શોભાયાત્રા શરૂ કરી દેવામાં આવી હતી.
અત્રે મહત્વનું છે કે નિકોલ વિસ્તારમાં શુકન ચાર રસ્તા પાસેથી શોભાયાત્રા પસાર થતાં લવ જેહાદમાં હિન્દુ યુવતીઓને જાગૃત કરતું બેનર લગાડવામાં આવ્યું હતું. જેને પોલીસ દ્વારા દૂર કરી સમજાવી ફરીથી શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા શરૂ કરાવી હતી.












