અમદાવાદ: 8,31,860/- નાં મુદ્દામાલ સાથે મૂળ નેપાળનો ઘરફોડ ચોરીનો રીઢો આરોપી ઝડપાયો; 12 ગુનાઓનો ઇતિહાસ

12 ઓગસ્ટ 2025 અમદાવાદ: શહેરના મીઠાખળી ચાર રસ્તા પાસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનાં 12 જેટલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓનો રેકોર્ડબ્રેક ઇતિહાસ ધરાવતા આરોપીને નવરંગપુરા તેમજ ઝોન 1 LCB પોલીસની ટીમે સંયુક્ત રીતે ઝડપી પાડ્યો છે. આવો વધુ વિગત જાણીએ પોલીસની આ પ્રકારની કાર્યવાહી તેમજ પકડાયેલા આરોપી વિશે.
અમદાવાદ અને સુરતમાં 12 જેટલા ગુનાઓનો ઇતિહાસ
આ બનાવ સંદર્ભે બી ડિવિઝન PI દેસાઇએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પકડાયેલો આરોપી રાજ ઉર્ફે હિકમત ખડકા ખત્રી જે મૂળ સમજાના ચોક નેપાળનો વતની છે અને જેવીટીએસ ગાર્ડન છત્રપુર મંદિર, દિલ્હી ખાતે રહે છે. આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં અમદાવાદના વસ્ત્રાપુર, સુરતના અઠવાલાઇન્સ અડાજણ પુણા ઉમરા તેમજ ડુમસ પોલીસ સ્ટેશન સહિત કુલ 12 જેટલા ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે હાલમાં તેની ધરપકડ કરી ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓ જે અમદાવાદ શહેરના નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી તેમજ આનંદનગર પોલીસનાં સ્ટેશનમાં નોંધાયેલા હતા જે ઉકેલવામાં આવ્યા છે.
8,31,860/-ની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ
આરોપીને પકડવા માટે નવરંગપુરા પોલીસ સરવલેન્સ સ્ક્વોડ તથા એલસીબીએ CCTV ફૂટેજના આધારે ચહેરાની તપાસ કરી બાતમીદારો દ્વારા મળેલી માહિતી મુજબ આરોપી રાજ ઉર્ફે હિકમત ખડકા ખત્રી નાનો જેણે શરીરે બ્લુ કલરનો પીપળાના પાનની ડિઝાઇન વાળો શર્ટ તથા ગ્રે કલરનું પેન્ટ પહેરેલું છે અને હાથમાં કેસરી કલરની થેલી સાથે મીઠાખળી ગાર્ડન આગળ જાહેરમાં ઊભો છે. જ્યાં પોલીસની ટીમ દ્વારા પહોંચી તેને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 7,8,860/- ની કિંમતના સોનાના દાગીના અને રોકડા 1,18,000/- અને મોબાઈલ મળી 8,31,860/-નો ઘરફોડ ચોરીમાં ચોરી કરાયેલો માલ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.












