Ahmedabad: હવામાનમાં આવ્યો અચાનક પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી

Ahmedabad Weather : શિયાળાના અંતમાં અચાનક હવામાનમાં પલટો આવતાં અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીને અનુરૂપ આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોર પછી ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં.
ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વરસાદ વધુ જોવા મળ્યો. એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર, બોપલ, ગોતા, ચાંદલોડિયા, સિંધુ ભવન રોડ, બોડકદેવ, શ્યામલ ચાર રસ્તા, માનસી સર્કલ, જજીસ બંગલો, ઈસ્કોન અને શિવરંજની જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. કેટલાક સ્થળોએ તેજ પવન સાથે છાંટા પડતા રસ્તાઓ પર અવરજવર થોડી ધીમી પડી હતી અને લોકોને ચોમાસાનો અહેસાસ થયો.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી સિસ્ટમને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની સ્થિતિ છે. આજે બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં હળવા વરસાદ અને વીજળીના કડાકાની આગાહી હતી. અમદાવાદમાં તાપમાન 22°Cથી 34°C વચ્ચે રહ્યું, પરંતુ વરસાદથી ઠંડકનો અહેસાસ થયો.
જોકે અચાનક કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં સુધારો અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે.
આ પણ વાંચો: આંખે પાટા બાંધી ‘લાલા’ના દર્શને નીકળ્યો યુવક, દ્વારકાની 360 કિ.મી પદયાત્રામાં પત્ની બની “શ્રવણ”












