અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

જાણીતા ઉદ્યોગપતિના પુત્ર ચિંતન બીડીવાલા સામે પોલીસ ફરિયાદ, પૂર્વ પત્નીને પરેશાન કરી મૂકી

Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલો સામે આવ્યો છે, જેમાં જાણીતા ઉદ્યોગપતિના પુત્ર સામે તેની પૂર્વ પત્નીને સતત હેરાન કરવા અંગે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

છૂટાછેડા બાદ પણ ત્રાસ ચાલુ રહેવાનો આરોપ

બોડકદેવ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના નણંદના લગ્ન ચિંતન બીડીવાલા સાથે થયા હતા. તેમના પતિ ચિંતન બીડીવાલા સાથે લગ્નજીવન દરમિયાન પણ સતત માનસિક ત્રાસ અને વિવાદો થતાં રહ્યા હતા. પરિસ્થિતિ વધુ બગડતાં બંને વચ્ચે છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ બગડતી ગઈ હોવાનો આરોપ યુવતીએ મૂક્યો છે. યુવતીના જણાવ્યા મુજબ, 27 એપ્રિલના રોજ યુવતી ભત્રીજાના બર્થડે પાર્ટીમાં જઈને પરત આવ્યા ત્યારે રાતના 11:30 વાગે ફ્લેટની નીચે ચિંતન લાલ કલરની મર્સિડીઝ જી વેગન કાર લઈને ઉભો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાત્રે ફ્લેટ નીચે હાઈ-વોલ્ટેજ ડ્રામા

ફરિયાદ અનુસાર, 27 એપ્રિલની રાત્રે યુવતી ભત્રીજાના બર્થડે પાર્ટીમાં જઈને ઘરે પરત આવી હતી. લગભગ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ તેઓ પોતાના ફ્લેટ નીચે પહોંચ્યા ત્યારે લાલ રંગની મર્સિડિઝ જી-વેગન કાર ઊભી જોવા મળી હતી. ચિંતન ફ્લેટની સામે જોઈને ગાડીમાં ગીતો વગાડતો હતો. ત્યારબાદ ચિંતન બીડીવાલાએ પૂર્વ પત્નીના ઘર નીચે મર્સિડિઝ ઉભી રાખી ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભય અને અસ્વસ્થતા ફેલાઈ હતી.

સોશિયલ મીડિયા મારફતે બદનામીનો પ્રયાસનો આરોપ

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ચિંતન છેલ્લા કેટલાક દિવસોથી યુવતીના નણંદને વોટ્સએપ પર મેસેજ મોકલી રહ્યો હતો. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામનો ઉપયોગ કરીને વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હતા, જેમાં તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. યુવતીના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રવૃત્તિનો હેતુ તેમને માનસિક રીતે દબાણમાં લાવવાનો અને સમાજમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો.

અગાઉની ફરિયાદો અને વર્તણૂક અંગેના આક્ષેપ

પોલીસને મળેલી માહિતી મુજબ, ચિંતન સામે અગાઉ પણ કેટલીક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તેમાં રાત્રિના સમયે ઉંચા અવાજે કારમાં સંગીત વગાડવા અને જાહેર શાંતિ ભંગ કરવાનો ઉલ્લેખ છે. આ ઉપરાંત એક ઘટના દરમિયાન જ્યારે તેને પોલીસ સ્ટેશનમાં હાજર થવા બોલાવવામાં આવ્યો હતો, ત્યારે તે ગદા સાથે પહોંચ્યો હોવાનો પણ ઉલ્લેખ ફરિયાદોમાં કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસ ચાલુ

સેટેલાઈટ પોલીસ સ્ટેશન દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને સંબંધિત તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ્સ, મેસેજ અને ઘટના સ્થળના પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસ હવે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સોશિયલ મીડિયા પર પણ તેની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: ગાંધીનગર સાયબર સેલ વિવાદમાં નવો વળાંક, કીર્તિદાન ગઢવી અને SP રાજદીપ ઝાલાને હાઈકોર્ટની નોટિસ

 

Back to top button