અમદાવાદમાં આજે ક્રિકેટ કાર્નિવલ: ફાઈનલ જોવા જવાના હોય તો આટલી વસ્તુ લઈ જતાં નહીં, સ્ટેડિયમ લઈ જઈ શકશો નહીં

અમદાવાદ, 08 માર્ચ 2026: અમદાવાદમાં આજે ચારે તરફ ક્રિકેટનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે, આજે 8 માર્ચ, 2026 (રવિવાર)એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે. આખા અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ જામ્યો છે.
ફ્લાઈટના ભાડામાં 4 ગણો વધારો
ફ્લાઈટના ભાડામાં 3થી 4 ગણો ઉછાળો આવ્યો છે, તો મુંબઈ-અમદાવાદ વચ્ચે 4 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડશે. સેલિબ્રિટીઝનો જમાવડો રહેવાથી શહેરમાં VVIP મુવમેન્ટમાં ધસારો જોવા મળશે.
ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન
આ મહામુકાબલા પૂર્વે એક ભવ્ય મેગા ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું છે, જે દર્શકો માટે એક અનોખો અનુભવ બની રહેશે. ગ્લોબલ પોપ સ્ટાર રિકી માર્ટિન પ્રથમ વખત અમદાવાદના આંગણે પરફોર્મ કરશે, જ્યારે ગુજરાતની ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક અને પંજાબી સિંગર સુખબીર સિંહ પોતાના અવાજથી સ્ટેડિયમમાં જોશ ભરશે. અંદાજિત 1.25 લાખ પ્રેક્ષકોની હાજરીમાં લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થશે.
સુરક્ષા પ્લાન તૈયાર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 પાસે ધક્કામુક્કી ન થાય તે માટે 100 મીટર આગળ બેરિકેડ્સ મૂકી ત્યાંથી જ પ્રવેશ અપાશે. સ્ટેડિયમમાં પ્રેક્ષકો પર નજર રાખવા સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવાયો છે, જેમાં બેઠેલી ટીમ 270 કેમેરાથી સતત મોનિટરિંગ કરશે. સ્ટેડિયમમાં 4 બોમ્બ સ્ક્વોડ, NDRFની ટીમ પણ તહેનાત રહેશે. મેચને પગલે સ્ટેડિયમની અંદર-બહાર લોખંડી બંદોબસ્ત રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વીઆઈપી સહિત 1 લાખથી વધુ લોકો આવવાના હોવાથી શહેર પોલીસે સુરક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.
આ વસ્તુઓ પર સ્ટેડિયમમાં પ્રતિબંધ રહેશે
- લેપટોપ
- ટેબલેટ
- પાવરબેન્ક
- પેન
- લેઝ
- ઈ-સિગારેટ
- ટેન્ટ
- કંબલ
- સ્લિપિંગ બેગ
- ખાવા-પીવાનો સામાન
- લાકડી
- હથિયાર
- બ્લેડ
- રમકડાં
- પાણીની બોટલ
ખાલી મોબાઈલ ફોન અંદર લઈ જવાશે
ટ્રાફિકની વ્યવસ્થા અને વૈકલ્પિક રુટની વ્યવસ્થા કેવી હશે
મેચને પગલે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો આવવા-જવાનો રસ્તો વાહનોની અવરજવર માટે સવારે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી વિસતથી જનપથ થઈ પાવર હાઉસ, પ્રબોધ રાવળ સર્કલ તથા કૃપા રેસિડન્સીથી ભાટ કોટેશ્વર રોડ, એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકશે. ટ્રાફિકના એક જેસીપી, ત્રણ ડીસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત કુલ 800 અધિકારી-કર્મચારીઓ હાજર રહેશે.
પાર્કિંગની વ્યવસ્થા અહીંથી બુક કરી શકશો
T-20 વર્લ્ડ કપની ફાઈનલ જોવા એક લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં આવશે ત્યારે જે લોકો વાહન લઈને સ્ટેડિયમ આવવાના છે તેમના માટે પાર્કિંગના અલગ અલગ લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. લોકોએ શો માય પાર્કિંગ એપ ઉપરથી પાર્કિંગ બુકિંગ કરાવવાનું રહેશે જે બુક કરાવ્યા બાદ તેઓ પોતાનું વાહન ત્યાં પાર્કિંગ કરી જઈ શકશે.
આ પણ વાંચો: IND vs NZ: ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ અમદાવાદની આ પિચ પર રમાશે, ટોસ રહેશે મહત્ત્વનો












