Ahmedabad Property Price Hike: અમદાવાદમાં પોતાના સપનાનું ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા નાગરિકો માટે બજેટ ખોરવનારા મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 1 જુલાઈથી શહેરમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલ્કતોના ભાવમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે. અમદાવાદના ક્રેડાઈ (CREDAI) હાઉસ ખાતે યોજાયેલી એક કટોકટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં બિલ્ડર એસોસિએશન દ્વારા રિયલ એસ્ટેટના ભાવ વધારવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે મકાન ખરીદનારાઓ પર લાખો રૂપિયાનો વધારાનો નાણાકીય બોજો આવશે.
400 થી વધુ ડેવલપર્સની મહાબેઠકમાં લેવાયો મોટો નિર્ણય
ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વસવાણી અને પ્રમુખ આલાપ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ વિશેષ બેઠકમાં શહેરના 400 થી વધુ અગ્રણી બિલ્ડર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈલેવલ મીટિંગમાં રિયલ એસ્ટેટ માર્કેટ પર પડી રહેલી વિપરીત અસરો અંગે અત્યંત ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બિલ્ડરોએ એકસૂરે જણાવ્યું હતું કે, બાંધકામ ખર્ચમાં થયેલો અસાધારણ વધારો, કાચા માલની અછત અને મજૂરોની તીવ્ર તંગીના કારણે હવે જૂના ભાવો પર પ્રોજેક્ટ્સ ચલાવવા અશક્ય બન્યા છે.
રો-મટીરિયલમાં 20% થી 60% નો તોતિંગ વધારો
ક્રેડાઈના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, આ ભાવવધારો કોઈ નફાખોરી માટે નહીં પરંતુ વૈશ્વિક મજબૂરીના કારણે લેવાયેલો નિર્ણય છે. હાલમાં મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલી ભયાવહ યુદ્ધજન્ય સ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. બિલ્ડિંગ નિર્માણમાં વપરાતી આયાતી સામગ્રી અને કાચા માલના ભાવમાં અત્યાર સુધીમાં 20% થી લઈને 60% જેટલો તોતિંગ વધારો નોંધાઈ ચૂક્યો છે. આગામી દિવસોમાં સ્ટીલ, લોખંડ અને સિમેન્ટ સહિતના મુખ્ય મટીરિયલના ભાવમાં હજુ પણ 30% થી 50% સુધીનો ધરખમ વધારો થવાની પ્રબળ શક્યતા છે. જો આ વૈશ્વિક તણાવ લાંબો ચાલશે, તો આગામી 6 થી 12 મહિનામાં બાંધકામ ઉદ્યોગ ભારે સંકટમાં આવી શકે છે.
લેબર ક્રાઈસિસ અને રેરાનો દંડ
વૈશ્વિક મોંઘવારી ઉપરાંત બાંધકામ ક્ષેત્ર અત્યારે લેબરની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. દેશના અન્ય રાજ્યોમાં લોકસભા ઇલેક્શન પૂર્ણ થઈ ગયું હોવા છતાં, વતને ગયેલા માઇગ્રેટેડ મજૂરો હજુ સુધી પરત ફર્યા નથી. મટીરિયલ સમયસર ન મળવાને કારણે અને મજૂરોની તંગીના લીધે ચાલુ પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમય કરતાં વિલંબમાં પડી રહ્યા છે. સામાન્ય રીતે, રેરા (RERA) ના કાયદા મુજબ જો બિલ્ડર ગ્રાહકને નક્કી કરેલા સમયે પઝેશન ન આપે તો ભારે દંડ ચૂકવવો પડે છે. આમ, પઝેશનમાં વિલંબ અને આર્થિક દંડના બેવડા ફટકાથી બિલ્ડરો પર નાણાકીય બોજો અસહ્ય બન્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
1 જુલાઈથી નવો ભાવવધારો કઈ રીતે લાગુ થશે?
નાગરિકો પર એકસાથે મોટો બોજો ન આવે તે માટે ક્રેડાઈ દ્વારા આ ભાવવધારાને ‘ફેઝ-1’ (પ્રથમ તબક્કો) નામ આપીને ક્રમશઃ લાગુ કરવાનું આયોજન કરાયું છે. આ અંતર્ગત બે અલગ-અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે:
નવા શરૂ થયેલા પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ હાલમાં જ લોન્ચ થયા છે અથવા પ્રાથમિક તબક્કામાં છે, તેમાં સીધો 10% નો ભાવવધારો ઝીંકવામાં આવશે.
પૂર્ણ થવાના આરે હોય તેવા પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સનું કન્સ્ટ્રક્શન પૂર્ણાહુતિના આરે છે અને ફિનિશિંગ કામ બાકી છે, તેમાં ખરીદદારો પર 5% જેટલો વધારો લાગુ થશે.
બિલ્ડરોએ 30 જૂન સુધી ભાવવધારો મુલતવી રાખ્યો
ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને બિલ્ડરોએ 30 જૂન સુધી સત્તાવાર ભાવવધારો મુલતવી રાખ્યો છે. જોકે, 15 જૂન, 2026 થી જ અમુક પ્રોજેક્ટોમાં આડકતરી રીતે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે 1 જુલાઈથી પૂર્ણપણે અમલી બનશે. અગાઉ 15 મે, 2026 ના રોજ અખબારોમાં અપાયેલી જનજાગૃતિ અપીલને પગલે ઘણા નાગરિકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હોવાનું પણ સામે આવ્યું છે.
GDPમાં યોગદાન આપતા ઉદ્યોગે સરકાર પાસે માંગી રાહત
અમદાવાદમાં દેશના અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ પ્રોપર્ટીના ભાવ ખૂબ જ ઓછા છે અને અહીંના ડેવલપર્સ 0 થી ખૂબ જ નજીવા પ્રોફિટ માર્જિન સાથે કામ કરે છે. દેશના અર્થતંત્ર અને જીડીપી (GDP) માં રિયલ એસ્ટેટ સેક્ટર 7.8% નો મજબૂત હિસ્સો ધરાવે છે અને તે સૌથી વધુ રોજગારી આપે છે. ક્રેડાઈએ સરકાર સમક્ષ જીએસટી (GST), સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય લોકલ કરવેરામાં તાત્કાલિક રાહત આપવાની માંગ કરી છે. આ ઉપરાંત, પ્રવર્તમાન યુદ્ધ અને લેબર કટોકટીને આફત ગણીને રેરા એક્ટમાં “ફોર્સ મૅજર” ની જોગવાઈ હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદા વધારી આપવા રેરા ઓથોરિટી અને રાજ્ય સરકારને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: શિક્ષકો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપી ફસાયેલા ગુજરાત સરકારના મંત્રીએ આખરે માફી માગી











