ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં દેશની પ્રથમ ‘ગજરક્ષક સિસ્ટમ’, રથયાત્રામાં 18 ગજરાજો પર રહેશે હાઇટેક નજર

Ahmedabad Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વર્ષે પ્રથમ વખત દેશમાં અનોખી ‘ગજરક્ષક સિસ્ટમ’ અમલમાં મૂકવામાં આવી છે. આ સ્માર્ટ ડિજિટલ સિસ્ટમની મદદથી રથયાત્રામાં સામેલ થતા તમામ 18 ગજરાજોના સ્વાસ્થ્ય અને હિલચાલ પર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન એક હાથી બેકાબૂ બનવાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પોલીસ તંત્રે ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના બનતા પહેલાં જ તાત્કાલિક પગલાં લઈ શકાય.

રથયાત્રા પહેલા તમામ 18 ગજરાજોનું પશુચિકિત્સકોની નિષ્ણાત ટીમ દ્વારા વિગતવાર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હાથીઓની આંખ, કાન, દાંત, પગ અને શરીરના અન્ય અંગોની તપાસ ઉપરાંત તેમને તાવ, ઈજા અથવા અન્ય કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા તો નથી તેની પણ ખાતરી કરવામાં આવી હતી. ફિટ જાહેર કરાયેલા ગજરાજોને જ રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા છે. પોલીસનું માનવું છે કે હાથીઓનું સારું સ્વાસ્થ્ય જ રથયાત્રાની સુરક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ કડી છે.

‘ગજરક્ષક સિસ્ટમ’માં દરેક હાથી પર GPS ટ્રેકર, હાર્ટ રેટ મોનિટર, બોડી ટેમ્પરેચર સેન્સર, સાઉન્ડ સેન્સર અને જાયરોસ્કોપ જેવા અત્યાધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા છે. આ ઉપકરણો દ્વારા હાથીનું લાઇવ લોકેશન, શરીરનું તાપમાન, હૃદયના ધબકારા, હલનચલન અને તેના વર્તનમાં થતા ફેરફારો અંગેની માહિતી સતત કમાન્ડ સેન્ટર સુધી પહોંચતી રહેશે. જો કોઈ હાથીના હાર્ટ રેટમાં અચાનક વધારો થાય, શરીરનું તાપમાન અસામાન્ય બને અથવા તે તણાવમાં હોવાનું જણાય તો સિસ્ટમ તરત જ એલર્ટ આપશે, જેથી સ્થળ પર હાજર પોલીસ, મહાવત અને પશુચિકિત્સકો તાત્કાલિક કાર્યવાહી કરી શકે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સિસ્ટમ સાથે ખાસ હાઈ-રિઝોલ્યુશન કેમેરા પણ જોડવામાં આવ્યા છે, જે દર પાંચ સેકન્ડે અલગ-અલગ એંગલથી હાથીઓની તસવીરો અને માહિતી કંટ્રોલ રૂમ સુધી મોકલશે. આથી અધિકારીઓને દરેક ગજરાજની સ્થિતિ પર સતત નજર રાખવામાં સરળતા રહેશે અને કોઈપણ અસામાન્ય હિલચાલ તરત જ ધ્યાનમાં આવી શકશે.

ગજરક્ષક સિસ્ટમ ઉપરાંત સમગ્ર રથયાત્રાના રૂટ પર પણ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર માર્ગ પર આશરે 3,300 CCTV કેમેરા કાર્યરત રહેશે, જ્યારે હવામાં ડ્રોન દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે જ ‘નેત્રા વાન’ પણ તૈનાત રહેશે, જેમાં લગાવવામાં આવેલા 360 ડિગ્રી કેમેરા અને સ્માર્ટ એનાલિટિક્સ સિસ્ટમની મદદથી આસપાસની શંકાસ્પદ ગતિવિધિઓ અને વાહનોના નંબર પ્લેટનું રિયલ ટાઇમ સ્કેનિંગ કરવામાં આવશે.

આ તમામ ટેક્નોલોજીને સંકલિત કરવા માટે વિશેષ મોબાઇલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વાહન તૈયાર કરવામાં આવ્યું છે. ડ્રોન, CCTV અને ગજરક્ષક સિસ્ટમમાંથી મળતી તમામ માહિતી અહીં એકત્રિત થશે અને અધિકારીઓ સમગ્ર રથયાત્રા પર એક જ સ્થળેથી નજર રાખી શકશે. આ સુરક્ષા વ્યવસ્થાનું લાઇવ મોનિટરિંગ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ ઉપરાંત ગુજરાત પોલીસ મુખ્યાલય અને ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ પહોંચાડવામાં આવશે.

અમદાવાદ પોલીસનું માનવું છે કે પરંપરા અને આધુનિક ટેક્નોલોજીના આ અનોખા સમન્વયથી આ વર્ષની 149મી રથયાત્રા વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે. ‘ગજરક્ષક સિસ્ટમ’ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ દેશભરમાં ધાર્મિક અને જાહેર કાર્યક્રમોની સુરક્ષામાં ટેક્નોલોજીના ઉપયોગનું એક નવું મોડેલ બની શકે છે.

આ પણ વાંચો: હાઇકોર્ટના આદેશ બાદ ડીસા પાલિકાનો રસ્તો સાફ, શ્રીજી સ્ક્વેર સામે થશે કડક કાર્યવાહી

Back to top button