અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં પોલીસનું મેગા ઓપરેશન: 291 શકમંદની અટકાયત, 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ

Gujarat police alert: અમદાવાદ શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદ્રઢ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસે એક મોટું અને અભૂતપૂર્વ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના જુદા જુદા ઝોનમાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ મિશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને નિશાન બનાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં ગઇકાલે(2 જૂન) મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે, હાલ અન્ય 160 લોકોની પૂછપરછ શરૂ છે. શંકાસ્પદ લોકોને ક્રાઈમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી. તમામ શકમંદ અને પુષ્ટિ થયેલ બાંગ્લાદેશીઓને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે.

સુરતમાં એસઓજી પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરવા અલગ અલગ સ્થળ પર દરોડા પાડ્યા હતા. ક્રાઇમબ્રાંચ, એસઓજી સહિતની પોલીસની ટીમોએ લિબાયત, પાંડેસરા, ભાથેનાં સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે શરૂ થયેલી આ કડક કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ, ગુલાબનગર અને ખોડિયારનગર જેવા સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારોને પોલીસે કોર્ડન કરી લીધા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે મેદાનમાં ઉતર્યા હતા અને દરેક શંકાસ્પદ સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ગેરકાયદેસર વસવાટ કરતા તત્વોમાં ભારે ફફડાટ

પોલીસના તમામ ઝોન સક્રિય થતાં જ શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સર્ચ ઓપરેશન ચાલુ રાખશે તેવા સંકેતો મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમની આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે

Back to top button