Ahmedabad: AMCના પ્લોટમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર PCBનો દરોડો

Ahmedabad News: અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પાર્કિંગ પ્લોટમાં કન્ટેનર મૂકીને ચાલતા એક મોટા જુગારધામનો પોલીસ કમિશનરની પીસીબી (PCB) સ્ક્વોડ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન 9 જેટલા હાઈપ્રોફાઈલ જુગારીઓની ધરપકડ કરી છે અને કુલ 5.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે.
બાતમીના આધારે ઓચિંતો દરોડો
પીસીબી સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નારણપુરા AEC ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં કેટલાક શખ્સો ભેગા મળીને જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાર્કિંગ પ્લોટમાં રાખવામાં આવેલા એક કન્ટેનરની અંદર જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કન્ટેનર પર દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
5.23 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 9 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા 3.03 લાખ રૂપિયા અને 10 નંગ મોંઘા મોબાઈલ ફોન (કિંમત રૂ. 2.20 લાખ) મળી કુલ 5.23 લાખની મત્તા જપ્ત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા મોટાભાગના આરોપીઓ વેપાર, ખેતી અને દલાલી જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે અને અમદાવાદના થલતેજ, સેટેલાઈટ, સોલા તેમજ કલોલ અને કડી જેવા વિસ્તારોમાંથી અહીં જુગાર રમવા આવતા હતા. જોકે, મુખ્ય આરોપી કુંતલ પટેલ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ તેજ કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Surat: ભાજપે ઉમેદવારોની પસંદગી માટે કમર કસી, 1લી એપ્રિલથી નિરીક્ષકો સેન્સ લેશે












