અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ ફેરવાઈ રહ્યું છે ગેસ ચેમ્બરમાં, દિવાળી બગાડશે હવાની ગુણવત્તા

અમદાવાદ, તા. 20 ઓક્ટોબર, 2025: અમદાવાદમાં ધૂળ અને ધૂમાડાના કારણે વઘી રહેલું પોલ્યુશનનું જોખમી સ્તરે પહોંચ્યું છે. ઓક્ટોબર 2025માં શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 195 સુધી પહોચી ગયો છે. ઔદ્યોગિક ધૂમાડો, વાહનો અને હવામાનના કારણે આ સમસ્યા વધી છે. લોકોના આરોગ્ય પર રોજિંદા જીવન પર તેની અસર પડી રહી છે.

ઔદ્યોગિક વિસ્તાર વટવામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 320 સુધી પહોંચ્યો છે. આ વિસ્તારમાંથી પસાર થતાં લોકો માસ્ક બાંધ્યા વગર નીકળી શકતા નથી. એક તરફ વાહનોનો ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદની હવામાં દિન પ્રતિદિન પ્રદૂષણ વધી રહ્યું છે. અમદાવાદની હવામાં PM 2.5, PM 10, NO2 અને SO2 મુખ્ય પ્રદૂષકો છે. ધૂળ સાથે પેટ્રોલ, ડિઝલનો ધૂમાડો ભળે છે ત્યારે જોખમી અસ્થમા અને શ્વાસની બીમારીવાળા દર્દીઓ હાલત વધુ ખરાબ થાય છે. આજે દિવાળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે રાત્રે ફૂટનારા ફટાકડાંના કારણે સ્થિતિ વધારે ખરાબ થશે. આજથી લઈ એક સપ્તાહ સુધી હવાની ગુણવત્તા વધારે બગડશે.

શિયાળાની શરૂઆતમાં તાપમાન ઘટવા, પવનની સ્થિરતા અને સ્થાનિક ઉત્સર્જનને કારણે પાર્ટિક્યુલેટ મેટર જમીનની નજીક ફસાઈ જાય છે, જેના કારણે આવા વધારા સામાન્ય છે. બોપલ મુખ્યત્વે રહેણાંક વિસ્તાર છે,તેથી તેની ખરાબ હવાની ગુણવત્તા વધુ ચિંતાજનક છે. પીએમ10 અને પીએમ2.5ના ઊંચા સ્તરો કારખાનાઓમાંથી નહીં, પરંતુ રોડની ધૂળ અને બાંધકામમાંથી આવે છે. રસ્તાઓની હાલત ખરાબ છે અને વાહનો પસાર થાય ત્યારે સૂક્ષ્મ રજકણો ઉત્પન્ન થાય છે.

અમદાવાદનું પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક તેના શહેરી વિસ્તરણ સાથે ગતિ જાળવી શક્યું નથી, જેનાથી વધુ રહેવાસીઓ ખાનગી વાહનો તરફ વળી રહ્યા છે. સતત ટ્રાફિકથી જામી ગયેલી ધૂળ ઊંચે ચડે છે અને હવાની ગુણવત્તાને વધુ બગાડે છે. આ ઉપરાંત, મોટા ભાગના બાંધકામ સ્થળો પાણીનો છંટકાવ કરવા અથવા કાટમાળને ઢાંકવા જેવા ધૂળ નિયંત્રણના મૂળભૂત પગલાંને અવગણે છે. નવા પ્રોજેક્ટ્સ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જેનાથી નેચરલ ફિલ્ટરેશન ઓછું થાય છે. જેમ જેમ શિયાળો જામશે તેમ ઠંડી હવા અને શાંત પવનો પ્રદૂષકોને સપાટીની નજીક લાવશે.

Back to top button