અમદાવાદ: મેટ્રો ટ્રેનની આવકમાં દર વર્ષે 30%નો વધારો, આંકડો જાણી રહેશો દંગ

- અમદાવાદમાં વર્ષ 2023થી જૂન 2025 એમ અઢી વર્ષમાં જ મેટ્રોની કુલ આવક રૂ. 102 કરોડને પાર
- કોટેશ્વરથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી દોડાવવાનું આયોજન
- મેટ્રોની આવકમાં દર વર્ષે સરેરાશ 30 ટકા જેટલો વધારો થયો
અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ખાસ પ્રતિસાદ મળે નહીં તેવી માન્યતા મેટ્રો રેલ ખોટી પાડી રહ્યું છે. અમદાવાદમાં વર્ષ 2023થી જૂન 2025 એમ અઢી વર્ષમાં જ મેટ્રોની કુલ આવક રૂ. 102 કરોડને પાર થઇ છે, જ્યારે મુસાફરોનો આંક 8.47 કરોડ છે. હવે મેટ્રોને કોટેશ્વરથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓલિમ્પિક્સ-2036ની પૂર્વ તૈયારીના ભાગરૂપે એરપોર્ટથી કોટેશ્વર વચ્ચે મેટ્રોનો રૂટ શરૂ કરવા વિચારણા થઈ રહી છે.
મેટ્રોની આવકમાં દર વર્ષે સરેરાશ 30 ટકા જેટલો વધારો થયો
મેટ્રોની આવકમાં દર વર્ષે સરેરાશ 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં મેટ્રોની વાર્ષિક આવક રૂપિયા 32.12 કરોડ હતી અને તે વર્ષ 2024માં વધીને 43.62 કરોડ થઇ હતી. બીજી તરફ આ વર્ષે પ્રથમ 6 મહિનામાં મેટ્રોને રૂ. 27.13 કરોડની આવક થઈ હતી. આમ, મેટ્રોએ આ વર્ષે દરરોજની સરેરાશ રૂ. 15.07 લાખની આવક કરી છે. આ પ્રમાણ યથાવત્ રહ્યું તો વર્ષ 2025માં મેટ્રોની કુલ આવક 55 કરોડથી વધી શકે છે. ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો દોડાવવાને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. જાન્યુઆરીથી માર્ચ સુધી ગાંધીનગર રૂટથી મેટ્રોને રૂ. 12 થી 14 લાખની આવક થતી હતી. હવે મે મહિનામાં તે વધીને રૂપિયા 26.83 લાખ અને જૂનમાં રૂપિયા 30 લાખ સુધી થઇ છે. જૂન મહિનામાં અમાદાવાદ રૂટથી મેટ્રોને દરરોજની સરેરાશ રૂપિયા 14 લાખ અને ગાંધીનગર રૂટથી રૂપિયા 1 લાખ જેટલી આવક થઇ હતી.
25 જાન્યુઆરીના કોલ્ડપ્લે વખતે 2.16 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી
આ વર્ષે મેટ્રોને આઇપીએલની મેચ, કોલ્ડપ્લે કોન્સર્ટ ખૂબ જ ફળી છે અને તેના કારણે પણ આવકમાં વધારો થયો છે. 25 જાન્યુઆરીના કોલ્ડપ્લે વખતે 2.16 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી, જે એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મુસાફરો છે. આ પછી આઇપીએલ ફાઇનલમાં 2.11 લાખ જેટલા મુસાફરો નોંધાયા હતા.
આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદ-ગોવા વચ્ચેનું હવાઈ ભાડું દુબઈ કરતાં વધુ












