ગુજરાત: અમદાવાદ-ગોવા વચ્ચેનું હવાઈ ભાડું દુબઈ કરતાં વધુ
- વિવિધ એરલાઈન કંપનીઓ દ્વારા હવાઈભાડામાં ચાર ગણા સુધીનો વધારો કરવામાં આવ્યો
- અમદાવાદ-ગોવા વચ્ચેનું વન-વે એરફેર 21 હજાર રૂપિયાએ પહોંચ્યું
- ભાડુ વધીને આગામી દિવસોમાં રૂ. 30,000 થવાની શક્યતા છે
આગામી મહિને ઓગસ્ટથી તહેવારોની વણઝાર શરૂ થાય તે પહેલાં જ હવાઈ ભાડામાં તોતિંગ વધારો થયો છે. ઓગસ્ટમાં વિવિધ એરલાઈન કંપનીઓ દ્વારા હવાઈભાડામાં ચાર ગણા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ફરવાના શોખીનોને હવાઈ મુસાફરી કરવી મોંઘી પડી શકે છે.
જન્માષ્ટમીને પગલે વન-વે એરફેર વધીને રૂપિયા 21 હજારે પહોંચ્યું
જન્માષ્ટમીની રજાઓમાં ગોવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસો કરતાં ચાર ગણું વધારે એરફેર ચૂકવવું પડશે. આ વખતે 15 ઓગસ્ટ-શુક્રવારે જન્માષ્ટમી, 16મીએ જન્માષ્ટમીની રજા હોવાથી ફરવાના સ્થળોએ મિની વેકેશનનો માહોલ જામશે. અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા ચાર હજારની આસપાસ હોય છે. પરંતુ જન્માષ્ટમીને પગલે વન-વે એરફેર વધીને રૂપિયા 21 હજારે પહોંચ્યું છે.
ભાડુ વધીને આગામી દિવસોમાં રૂ. 30,000 થવાની શક્યતા છે
જન્માષ્ટમીના તહેવાર શરૂ થવાના હોય તેના ત્રણેક દિવસ અગાઉ ગુજરાતમાંથી જુગાર રમવાના શોખીનો ગોવામાં ધામા નાખી દેતા હોય છે. રજાઓમાં બે-ત્રણ દિવસ માત્ર જુગાર રમવાના ટાર્ગેટ સાથે પહોંચનારા આવા જુગારના રસિયાઓમાં માત્ર યુવાનો જ નહીં કપલ્સ પણ સામેલ હોય છે. જન્માષ્ટમીની રજાઓ નજીક આવશે તેમ એરફેર રૂપિયા 30 હજાર સુધી પહોંચી જાય તેવી સંભાવના છે. તહેવારોની સીઝનમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતાં હવાઈ ભાડું અનેક ગણું વધી જાય છે. ડોમેસ્ટિક ફ્લાઈટની એર ટિકિટ ઈન્ટરનેશનલ ફ્લાઈટના એરફેર કરતાં મોંઘી બને છે. ગોવાના એરફેરની તુલનાએ દુબઈનું હવાઈ ભાડું 19000-23000 રૂપિયા આસપાસ છે. જ્યારે ગોવાનું એરફેર 21 હજારે પહોંચ્યું છે અને વધીને આગામી દિવસોમાં રૂ. 30,000 થવાની શક્યતા છે.












