અમદાવાદ: ખેડા જિલ્લામાં આ વર્ષે ડાંગર અને ઉનાળુ બાજરીનું જાણો કેટલું વાવેતર વધ્યું
- કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે
- ચાલુ વર્ષે ડાંગર અને ઉનાળુ બાજરીનું વાવેતર વધ્યું
- બાજરીનું 25,718 અને ડાંગરનું 17,901 હેક્ટરમાં વાવેતર
ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ડાંગર અને ઉનાળુ બાજરીનું વાવેતર વધ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ બાજરીમાં ૩,૦૧૩ અને ડાંગરમાં ૩,૬૫૯ હેક્ટરના વાવેતરમાં વધારો થયો છે.
કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે
ખેડા જિલ્લામાં શાકભાજી, કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. સરકારી આંકડા અનુસાર ખેડા જિલ્લામાં ગત વર્ષે બાજરીનું ૨૨,૭૧૫ હેક્ટર અને ડાંગરનું ૧૪,૨૪૨ હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે બાજરીનું ૧૩ ટકા વધીને ૨૫,૭૨૮ અને ડાંગરનું ૨૫ ટકા વધીને ૧૭,૯૦૧ હેક્ટરમાં વાવેતર થયું છે. લોકોમાં મિલેટની અવેરનેસ અને એમએસપીના ભાવ વધારાને લીધે ખેડૂતો ધાન્ય પાકના વાવેતર તરફ વળ્યા છે.
ચાલુ વર્ષે ૧૦૦ કિલો બાજરીનો એમએસપીનો ભાવ ૨૬૨૫ નક્કી કરાયો
ચાલુ વર્ષે ૧૦૦ કિલો બાજરીનો એમએસપીનો ભાવ ૨૬૨૫ નક્કી કરાયો છે એટલે રૂ.૧૨૫નો ભાવ વધારો થયો છે. આ સાથે ડાંગરના ૧૦૦ કિલોના એમએસપીમાં ૧૧૭ના વધારા સાથે રૂ.૨૩૦૦ કરાયા છે. આ વર્ષે બાજરીના વાવેતરમાં ૧૩ ટકાનો અને ડાંગરમાં ૨૫ ટકાનો વધારો થયો છે. આ વર્ષે ખેડા જિલ્લામાં બાજરીનું ૬૬,૮૯૨ મેટ્રિક ટન અને ડાંગરનું ૮૦,૫૫૪ મેટ્રિક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.
આ પણ વાંચો: અમદાવાદ : ચંડોળાથી હટાવ્યાં તો શહેરના આ વિસ્તારમાં ગેરકાયદે વસાહત ઊભી થવાનો ડર!












