
Ayushman Card: અમદાવાદ શહેર અને જિલ્લામાં આરોગ્ય સેવાઓને લગતો એક ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર મળતી હોવા છતાં 24 ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ગેરકાયદે રીતે નાણાં વસૂલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ મામલો વિધાનસભામાં ઉઠતાં આરોગ્ય વિભાગે પણ ફરિયાદો સાચી હોવાનું સ્વીકાર્યું છે.
વિધાનસભામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા સવાલના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) હેઠળ નોંધાયેલી હોસ્પિટલો સામે દર્દીઓ પાસેથી વધારાની રકમ વસૂલવાની ફરિયાદો મળી હતી. તપાસ દરમિયાન આ ફરિયાદો સાચી સાબિત થતાં સંબંધિત હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નિયમો અનુસાર, આયુષ્માન યોજના હેઠળ નોંધાયેલી હોસ્પિટલોને કાર્ડધારક દર્દીઓને લગભગ 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવાની હોય છે. આ સારવારનો ખર્ચ સરકાર સીધો હોસ્પિટલને ચૂકવે છે. છતાં પણ કેટલીક હોસ્પિટલો દ્વારા નફાખોરી માટે દર્દીઓ પાસેથી વધારાના નાણાં વસૂલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
આ મામલે આરોગ્ય વિભાગે કસૂરવાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરીને કુલ 39.84 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. તેમ છતાં, આટલા ગંભીર ગુનામાં માત્ર દંડની કાર્યવાહી કરવાથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
જનતા અને સમાજસેવીઓનું કહેવું છે કે, આવી ગેરરીતિઓ અટકાવવા માટે માત્ર દંડ પૂરતો નથી, પરંતુ દોષિત હોસ્પિટલનું લાયસન્સ રદ કરવું જેવી કડક કાર્યવાહી પણ કરવી જોઈએ જેથી અન્ય હોસ્પિટલો માટે કડક સંદેશ જાય.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હવે ફરીથી કેરોસિનના દિવસો આવ્યા, સરકારે બનાવ્યો ખાસ પ્લાન












