અમદાવાદ: મંજૂરી વગર 2352 લોકો પર 18 વર્ષ સુધી ક્લિનિકલ રિસર્ચ કર્યા; 741 લોકોએ જીવ ગુમાવ્યા; કેગનો રીપોર્ટ

3 જુલાઇ 2025 અમદાવાદ: રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તા સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગમાં ચાલતી ગેરરીતિ જેના લીધે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું છે કે મંજૂરી વગર 2352 લોકો પર 18 વર્ષ સુધી ક્લિનિકલ રિસર્ચ કરાયા છે જેમાં 741 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર વિગત સત્તાવાર આંકડા કેગના વર્ષ 2024ના અહેવાલમાં છે. ત્યારે કેવા આક્ષેપ છે તેમજ શું કહી રહ્યો છે કેગનો અહેવાલ આવો જાણીએ.
મંજૂરી વગર ક્લિનિકલ ટ્રાયલ કરાયા
કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેગના રિપોર્ટ મુજબ IKDRC હોસ્પિટલ 2352 દર્દીઓ ઉપર સ્ટેમ સેલ થેરાપી નામના ક્લિનિકલ રિસર્ચ વગર મંજૂરીએ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 1999થી 2017 દરમિયાન સ્ટેમ સેલ થેરાપી હેઠળના 741 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કેગના રિપોર્ટ અનુસાર 91% કિસ્સામાં સ્ટેમ સેલ થેરાપી નિષ્ફળ ગઈ છે. કેગ અનુસાર 2352 દર્દીઓ પૈકી 2132 દર્દીઓમાં સ્ટેમ સેલ થેરાપી અસફળ રહી હતી. 569 દર્દીઓમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ ગયા જ્યારે 110 દર્દીઓમાં એવા કોમ્પ્લીકેશન ઊભા થયા જેથી કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શક્યા નહીં. કેગ રિપોર્ટ મુજબ NAC-SCRT (National Apex Committee for Stem Cell Research and therapy)ના આદેશથી 2017માં સ્ટેમ સેલ થેરાપીમાં બંધ કરવામાં આવી હતી. NAC-SCRT મુજબ IKDRC દ્વારા IC SCRT (Institutional committee for stem cell research and Therapy)ની પુર્વ મંજૂરી વગર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા છે તેવું કેગનું અવલોકન છે.

રેકોર્ડને ડિલીટ કરવા પાછળ કોઈ ષડયંત્ર હતું?
પ્રવક્તાએ ઉમેર્યું કે વર્ષ 2013 પૂર્વ IKDRC હોસ્પિટલમાં પોતાની ઇન્સ્ટિટ્યુનલ એથિક્સ કમિટી હયાત ન હતી એટલે નિર્ણયો ઇન્સ્ટિટ્યુનલ ઇન્ટર્નલ રીવ્યુ બોર્ડ દ્વારા લેવામા આવતા હતા. આ બોર્ડની IC SCRT અને NAC SCRTની કોઈ પણ પ્રકારની પુર્વ મંજૂરી મેળવેલ ન હતી. જ્યારે બોર્ડ એ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓગ્નેનાઈઝેશનમાં (CDSCO) રજિસ્ટ્રેશન કરાવેલું ન હતું જે ફરિજયાત હતું. સ્ટેમ સેલ થેરાપી હેઠળના દર્દીઓનું 15 વર્ષ માટે રેકોર્ડ રાખવાની રાષ્ટ્રીય ગાઈડ લાઈન હોવા છતાં ક્લિનિકલ ટ્રાયલના રેકોર્ડના પુરાવા રખાયા નથી. રેકોર્ડને ડિલીટ કરવા પાછળ કોઈ ષડયંત્ર હતું કે શું? જવાબદારી કોની? ગુજરાત રાજ્યમાં નિર્દોષ નાગરિકો પર વગર મંજૂરીએ અખતરા થાય અને નિર્દોષ લોકો જીવ ગુમાવે, સરકારનો આરોગ્ય વિભાગની કોઈ જવાબદારી નહીં? નિર્દોષ દર્દીઓના જીવ માટે કોણ જવાબદાર? કોના ઉપર પગલા લેવાશે? ગુજરાત રાજ્યના નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદ થાય વિદેશી નાગરિકને કીડની હોસ્પિટલ દ્વારા બારોબાર કીડની આપી દેવાય અને નિર્દોષ દર્દીઓ પર વગર મંજૂરીએ અખતરા થાય તે કેટલા અંશે યોગ્ય?
વિદેશી નાગરિકને બારોબાર અપાઈ ગઈ
મળતી માહિતી મુજબ National organ and Tissue Transplant organization (NOTTO)ના ડિરેક્ટરના ડોક્ટર અનીલકુમારે 2 જુલાઇ 2025ના રોજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેક્ટરને ઇમેઇલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે 15 દિવસમાં બંને મુદ્દા કીડની વિદેશી નાગરિકને બારોબાર આપવા અને વગર મંજૂરીએ સ્ટેમ સેલ થેરાપીના ક્લિનિકલ ટ્રાયલ કરવા મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવવો. ગુજરાત રાજ્યની આટલી મોટી ગંભીર ગુનાહિત બેદરકારી માટે કોંગ્રેસની કડક કાર્યવાહી કરવા માટેની માંગ છે.
સ્ટેમ સેલ થેરાપીમાં નિષ્ફળ ગયેલ કુલ કેસ 2132
સ્ટેમ સેલ થેરાપીમાં જીવ ગુમાવેલ કુલ દર્દીઓ 741
સ્ટેમ સેલ થેરાપીના કારણે કીડની ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ ગયેલ કુલ દર્દીઓ 569
સ્ટેમ સેલ થેરાપીના કારણે કીડની ટ્રાન્સપ્લાન્ટમાં ઉભા થયેલ કોમ્પ્લીકેશનના લીધે કીડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નિષ્ફળ ગયેલ કુલ દર્દીઓ 110
સ્ટેમ સેલ થેરાપી હેઠળ ક્લિનિકલ રીસર્ચના કુલ દર્દીઓ 2352












