અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં અર્બન પ્લાનિંગની પોલ ખુલ્લી! સેન્ટોસા પાર્કમાં ₹125 કરોડના નુકસાનનો દાવો

અમદાવાદ: શહેરમાં ગુરુવારે પડેલા ધોધમાર વરસાદને 60 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બોપલ, ઘુમા, શેલા, શીલજ અને આંબલી સહિતના પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીનો કહેર હજુ યથાવત છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં અનેક સોસાયટીઓના બેઝમેન્ટ અને નીચાણવાળા વિસ્તારોમાં 3થી 5 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. પરિણામે રહેવાસીઓ ઘરોમાં જ કેદ જેવી સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આંબલી સ્થિત પોશ સેન્ટોસા પાર્ક સોસાયટીમાં ₹125 કરોડથી વધુના નુકસાનનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરના અર્બન પ્લાનિંગ અને ડ્રેનેજ વ્યવસ્થાની ગંભીર ખામીઓ ઉજાગર કરી છે.

‘ચાની રકાબી‘ જેવી ભૌગોલિક રચનાએ વધારી મુશ્કેલી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના જણાવ્યા મુજબ બોપલ અને આસપાસના વિસ્તારોનું ભૌગોલિક બંધારણ ‘ચાની રકાબી’ જેવું છે. એટલે કે આસપાસના ઊંચાણવાળા વિસ્તારોમાંથી વરસાદી પાણી કુદરતી રીતે બોપલ તરફ એકત્ર થાય છે. બીજી તરફ પૂરતી ક્ષમતાવાળી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન અને અસરકારક વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.

સેન્ટોસા પાર્કમાં રોડનું લેવલ બન્યું મોટી સમસ્યા

આંબલીની જાણીતી સેન્ટોસા પાર્ક સોસાયટીના રહેવાસીઓએ તંત્રના અર્બન પ્લાનિંગ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ઝવેરી સર્કલથી એસ.પી. રિંગ રોડ તરફ બનાવાયેલા નવા રસ્તાનું લેવલ સોસાયટી કરતાં આશરે પાંચ ફૂટ ઊંચું રાખવામાં આવ્યું છે. પરિણામે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અટકી ગયો અને સમગ્ર પાણી સોસાયટીમાં ઘૂસી આવ્યું. બેઝમેન્ટમાં પાર્ક કરાયેલા વાહનો, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, લિફ્ટ, જનરેટર, ક્લબહાઉસ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. રહેવાસીઓએ કુલ નુકસાન ₹125 કરોડથી વધુ હોવાનો દાવો કર્યો છે.

શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ રહે છે આ સોસાયટીમાં

સેન્ટોસા પાર્ક સોસાયટી શહેરની સૌથી પ્રતિષ્ઠિત રહેણાંક સોસાયટીઓમાંની એક માનવામાં આવે છે. અહીં વાડીલાલ ગ્રૂપના રાજેશ ગાંધી, ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ તથા વિવાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના તેજસ જોશી, ખાંડવાલા ગ્રૂપના રાજેશ ખાંડવાલા, કુંવરજી ફીનસ્ટોકના નયનભાઈ ઠક્કર અને જાણીતા જ્વેલર્સ મનુભાઈ ઝવેરી સહિતના અનેક ઉદ્યોગપતિઓ અને અગ્રણી નાગરિકો રહે છે. કરોડો રૂપિયાની મિલકતો ધરાવતી આ સોસાયટીમાં પાણી ભરાવાની ઘટનાએ સમગ્ર શહેરનું ધ્યાન ખેંચ્યું છે.

હજુ પણ 19 સોસાયટીઓમાં ચાલી રહી છે રાહત કામગીરી

AMCના જણાવ્યા મુજબ શહેરમાં કુલ 126 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમાંથી 107 સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ પૂર્ણ કરવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ 19 સોસાયટીઓમાં ડીવોટરિંગ પંપ દ્વારા પાણી કાઢવાની કામગીરી ચાલુ છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 14 સોસાયટીઓ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ત્રણ અને પશ્ચિમ ઝોનમાં બે સોસાયટીઓમાં હજુ કામગીરી ચાલી રહી છે.

‘કરોડપતિઓની સોસાયટી બચાવવા ગામ ડૂબાડ્યું‘નો આક્ષેપ

રાહત કામગીરી દરમિયાન નવો વિવાદ પણ સામે આવ્યો છે. સેન્ટોસા પાર્કમાંથી પમ્પિંગ દ્વારા બહાર કાઢવામાં આવેલું પાણી નજીકના મુમતપુરા ગામ તરફ વાળવામાં આવ્યું હોવાનો સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પાણી ગામની શેરીઓ અને ઘરોમાં ઘૂસી જતાં આખી રાત લોકો મુશ્કેલીમાં રહ્યા હતા. તેમણે તંત્ર પર પોશ વિસ્તારને બચાવવા ગામના લોકો સાથે અન્યાય કર્યાનો આક્ષેપ કર્યો છે.

ડ્રેનેજ અને અર્બન પ્લાનિંગ પર ફરી ઊઠ્યા સવાલો

દર વર્ષે વરસાદ બાદ બોપલ, ઘુમા, શેલા અને આંબલી જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે. આ વખતે પોશ સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થતાં શહેરના ડ્રેનેજ નેટવર્ક, રોડ ડિઝાઇન અને અર્બન પ્લાનિંગ અંગે ફરી ગંભીર ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર તાત્કાલિક પમ્પિંગથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ વરસાદી પાણીના વૈજ્ઞાનિક નિકાલ માટે કાયમી આયોજન કરવું હવે સમયની જરૂરિયાત બની ગઈ છે.

આ પણ વાંચોઃ પ્રહલાદ જોશી સામે શિક્ષણ મંત્રાલયની સૌથી મોટી અગ્નિપરીક્ષા, NEETથી UGC સુધી પડકારોનો ઢગલો
Back to top button