અમદાવાદ: માતાપિતા માટે ફરીથી ચોંકાવનારો કિસ્સો; 9 માસનું બાળક LED બલ્બ ગળી જતા શ્વાસનળીમાં ફસાયો

7 જૂન 2025 અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાંથી નાના બાળકો ધરાવતા તમામ માતા-પિતા માટે ફરીથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નવ માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી જતા બલ્બ શ્વાસ નળીમાં ફસાઇ જતા જીવ અધ્ધર થયો હતો. અંતે અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં નિરાકરણ કરી બાળકને સાજો કરાયો હતો ત્યારે કેવી રીતે ઘટના બની તેમના માતા પિતાનું શું કહેવું છે? સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા હતા સમજીએ વિગતવાર.

બાળકના પિતા જુનેદભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઓગણીસ દિવસથી આમથી તેમ અમારા બાળકની તકલીફની સારવાર માટે દોડી રહ્યા હતા, પણ છેલ્લે સાચી સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જ મળી.

બાળકની શ્વાસનળીમાંથી એલઇડી બલ્બ બહાર કાઢ્યો
મળતી માહિતી મુજબ કારપેન્ટરનુ કામ કરતા મંગરોળ, જુનાગઢના રહેવાસી એવા જુનેદ યુસુફ અને તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા 15 દિવસથી ઉધરસ આવતી હતી. જુનાગઢમાં બાળરોગ તજજ્ઞને બતાવતા તેનો છાતીનો એક્સ-રે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક હોવાની માલુમ પડ્યુ હતું. જુનેદભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી પણ તેનો ખર્ચ તેમને પોષાય તેમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશાની કિરણ બની જ્યાં સારવાર અર્થે બાળકને લઇ આવતા તારીખ 3 જૂન 2025ના રોજ બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપુર્વક બહાર કાઢવામા આવ્યો છે. ઓપરેશન પછી બાળકની તબીયત ઝડપથી સુધરી રહી છે અને કોઇપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટુંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરોએ જણાવ્યુ હતું.
આવી તકલીફ જણાય તો બાળરોગ સર્જનનો સંપર્ક કરવો
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની નિપુણતા અને નિષ્ઠાપુર્વકની સારવારનો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉતમ સારવારનુ જીવંત ઉદાહરણ છે. ડો. જોષીએ બાળરોગ સર્જરી સપ્તાહ વિશે જણાવતા કહ્યું હતુ કે, બાળરોગ સર્જરી સપ્તાહ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સ (IAPS) દ્વારા બાળરોગ અંગેની સર્જિકલ બિમારીઓ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવા માટેની એક વાર્ષિક પહેલ છે. જે દર વર્ષે જૂન મહીનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન” રાખવામાં આવી છે. બાળરોગ સર્જરી સપ્તાહ પ્રસંગે નાના બાળકો ધરાવતા તમામ માતા પિતાને બાળકોમાં થતી જન્મજાત ખામીઓ તેમજ અન્ય બાળ સર્જીકલ બીમારીઓ વિશે જાગૃત રહી પોતાના બાળકમાં આવા કોઇપણ લક્ષણ કે તકલીફ જણાય તો તુરંત જ બાળરોગ સર્જનનો સંપર્ક કરવો જોઇએ જેથી વહેલી તકે આવી બીમારીનું નિદાન કરી બાળકની સમયસર યોગ્ય સારવાર થઇ શકે તેમ ડો. રાકેશ જોશે ઉમેર્યું હતું.












