ગુજરાત

Ahmedabad:એજન્સીનો ડિલિવરી મેન ગ્રાહકોના સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા રંગેહાથ પકડાયો

Gas Refilling Scam Caught In Ahmedabad: વર્તમાન સમયમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ અને ગેસના જથ્થા પર અસર પડી છે, જેના કારણે દેશમાં પણ ગેસની અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ કપરી સ્થિતિનો ફાયદો ઉઠાવીને વધુ પૈસા કમાવાની લાલચમાં કેટલાક લોકો કાળાબજારી પર ઉતરી આવ્યા છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવી જ એક ગેસ રિફિલિંગની ગેરકાયદે પ્રવૃત્તિનો બોડકદેવ પોલીસે પર્દાફાશ કર્યો છે.

બાતમીના આધારે પોલીસનો દરોડો

શહેરના બોડકદેવ પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે થલતેજ ગામના ભરવાડ વાસમાં એક શખ્સ જાહેરમાં ગેસ સિલિન્ડરમાંથી રિફિલિંગનું જોખમી કામ કરી રહ્યો છે. આ માહિતીને આધારે પોલીસે તુરંત જ એક ટીમ બનાવી સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે હીરા પરમાર નામનો શખ્સ અત્યંત જોખમી રીતે ભરેલા ગેસ સિલિન્ડરમાંથી પાઈપ વાટે ગેસ કાઢીને ખાલી બોટલમાં ભરી રહ્યો હતો. પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ડિલિવરી મેન જ નીકળ્યો ‘ચોર’

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી હીરા પરમાર આંબાવાડી વિસ્તારમાં આવેલી ‘સંતોષ ગેસ એજન્સી’માં ડિલિવરી મેન તરીકે કામ કરે છે. તે ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને આપવા માટે નીકળેલા ભરેલા સિલિન્ડરમાંથી થોડો-થોડો ગેસ કાઢી લેતો હતો. તે 5 જેટલા સિલિન્ડરમાંથી ગેસ કાઢીને એક ખાલી બોટલ ભરી લેતો હતો. આ રીતે તે ગ્રાહકોને તોલ-માપમાં છેતરીને ઓછો ગેસ આપતો અને જે ગેસની ચોરી કરતો તેને અન્ય લોકોને ઊંચા ભાવે વેચીને ગેરકાયદેસર રીતે નફો કમાતો હતો.

મુદ્દામાલ જપ્ત અને કાયદેસરની કાર્યવાહી

પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી નીચે મુજબની વસ્તુઓ જપ્ત કરી છે:

  • 7 નંગ ગેસ સિલિન્ડર (જેમાં ભરેલા અને ખાલી બંનેનો સમાવેશ થાય છે)

  • ગેસ ટ્રાન્સફર કરવા માટેની જોખમી પાઇપ

  • વજન કરવા માટેનો કાંટો

  • ગેસની બોટલો લઈ જવા માટે વપરાતી રિક્ષા

  • ડિલિવરીની અધિકૃત રસીદો

તંત્રની કડક ચેતવણી

બોડકદેવ પોલીસે આરોપી વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી કેટલા સમયથી આ કૌભાંડ આચરી રહ્યો હતો અને શું આમાં એજન્સીના કોઈ અન્ય કર્મચારી કે માલિકની મિલીભગત છે કે કેમ. આ ઘટના બાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જ્યારે પણ ગેસ ડિલિવરી લેવામાં આવે ત્યારે સિલિન્ડરનું સીલ ચેક કરવું અને વજન કરાવીને જ સ્વીકારવું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: Bhavnagar: આડોડીયા વાસમાં લોહીયાળ જંગ, જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો

Back to top button