અમદાવાદ: રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ; આર્ટ નિર્માણ ડેવલોપર અને AMC પર ભ્રષ્ટાચારનો આક્ષેપ

1 જુલાઇ 2025 અમદાવાદ: શહેરમાં રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં રિ-ડેવલોપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે 7 માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે. 4 પરિવારો હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે AMC, રેરા, સોસાયટી રજીસ્ટ્રાર કચેરીના અમુક ભ્રષ્ટ અધિકારીઓની મિલી ભગત થકી ભ્રષ્ટાચાર કરાયો છે. જેમાં પીડિતોને ધમકીઓ આપી શારીરિક અને માનસિક ત્રાસ આપી મામલો થાળી પાડવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો અને કેવી રીતે કરાયો છે ભ્રષ્ટાચાર, તેમજ શું છે પીડિત પક્ષની રજૂઆત જાણીએ વિગતવાર.
આર્ટ નિર્માણ ડેવલોપરના ગુંડાઓ આપે છે ધમકી: પીડિત
આશિયાના એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ શાહે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે AMCના અમુક અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે. આ બાબતે અમો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પડતાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. આર્ટ નિર્માણ ડેવલોપરનાં બિલ્ડર અશોક રઘુરામ ઠક્કરનાં ગુંડાઓ દ્વારા 4 પરિવારોને ધમકીઓ અપાતા હોવાના પણ આક્ષેપો કરાયા છે. આ કેસમાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઇ હોવાનું સામે આવ્યું છે. પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. આર્ટ નિર્માણ ડેવલોપરે 4 પરિવારોના મકાનો અને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો કરાયા છે.
બિલ્ડરે 4 ફ્લેટના માલિકોને ધમકીઓ આપી ખાલી કરાવ્યા
અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તેના વચ્ચે સરકારે રિ-ડેવલોપમેન્ટની યોજનાને મંજૂરી આપતા શહેરની ચારેય દિશામાં આજે નવી ઇમારતો ઊભી થઈ રહી છે. 40 વર્ષથી જૂની અથવા જર્જરિત ઇમારતોને તોડી પાડીને નવી બિલ્ડિંગ ઊભી કરવા માટે ગુજરાત સરકારે નિયમો હળવા બનાવ્યા છે. જેના લીધે લોકોને જૂના મકાનની સામે નવું મકાન મળી શકે, તેમજ જયાં સુધી નવું મકાન બનતું હોય ત્યાં સુધી ભાડું પણ ન ભરવું પડે. સામે રિ-ડેવલોપમેન્ટના લીધે બિલ્ડરને પણ મોટો ફાયદો થતો હોય છે. પણ અમોને મળતી માહિતી મુજબ અમદાવાદમાં આર્ટ નિર્માણ ડેવલોપરના બિલ્ડરે રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ વાત છે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં આવેલી 40 વર્ષ જૂની આશિયાના એપાર્ટમેન્ટની. જેમાં 66 ફ્લેટમાંથી 60 ફ્લેટ બિલ્ડરે પોતાના નામે ખરીદી લીધા હતા. અને બાકી રહેલા 4 ફલેટના માલિકોને ધમકીઓ આપીને તેમજ ગુંડાઓ મોકલીને ખાલી કરાવી દીધા હતા. આ કેસ કોર્ટ અને પોલીસમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે આ 4 પરિવારોના મકાનો તોડી પડ્યા હતા. જેથી 4 પરિવારો હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા 4 વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરિવારોને બિલ્ડર તરફથી એકપણ ભાડું કે કોઈ વળતર ચૂકવાયું નથી.
AMC, રેરા, સોસાયટી રજીસ્ટ્રાર કચેરીની મિલીભગત
પીડિત ભાવેશભાઈ શાહના વધુમાં જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષથી પોતાના મકાનને બિલ્ડર પાસેથી મેળવવા માટે મારી જેવા 4 પરિવારો આજે માનસિક અને આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છે. AMC, રેરા, સોસાયટી રજીસ્ટ્રાર, પોલીસ તેમજ મંત્રી સુધી રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. સામે બિલ્ડર તરફથી જૂના મકાન સામે નવું મકાન આપવાની પણ કોઈ વાત થઈ રહી નથી. બિલ્ડરે રેરામાં મૂકેલા પ્લાનમાં પીડિતોના મકાનનો કોઈ ઉલ્લેખ પણ નથી. આર્ટ નિર્માણ ડેવલોપર અને તેના બિલ્ડર અશોક રઘુરામ ઠક્કરે ખોટા ડોક્યુમેન્ટના આધારે રિ-ડેવલોપમેન્ટના નામથી AMCમાંથી રહેણાંક મકાનનો પ્લાન બનાવ્યો, ત્યાર પછી બારોબાર 89 દુકાનોનો રિવાઇઝ પ્લાન મંજૂર કરાવી લીધો છે. આખા કેસમાં AMC, રેરા, સોસાયટી રજીસ્ટ્રાર કચેરીના અમુક અધિકારીઓની પણ મિલીભગત છે. કારણ કે, આર્ટ નિર્માણ ડેવલોપર એક પછી એક ખોટા ડોક્યુમેન્ટ મૂક્યા હોવા છતાં અને પીડિતોએ ક્યાં ક્યાં ખોટું થઈ રહ્યું છે તેના પુરાવા આપ્યા હોવા છતાં બિલ્ડર સામે પગલાં ભરાયા નથી.
બિલ્ડર અશોક રઘુરામ ઠક્કરે કઈ રીતે હેરાન કર્યા જાણો
ભીમજીપુરામાં આવેલા આશિયાના એપાર્ટમેન્ટના 4 સભ્યોને વિશ્વાસમાં દીધા વગર જ બિલ્ડરે આખી સોસાયટીની જમીન પોતાના નામે પચાવી પાડી છે. બિલ્ડરે રેરા ઓફિસમાં આવો પ્લાન અને AMC ઓફિસમાં રિ-ડેવલોપમેન્ટનો પ્લાન મૂકીને હાલ 7 માળની બિલ્ડિંગ બાંધી દીધી છે. હાલ 4 પરિવારોએ બિલ્ડર સામે મોરચો માંડ્યો છે અને કાયદાકીય લડાઈનો સહારો લીધો છે. આ પરિવારજનોનું કહેવું છે કે, બિલ્ડર અને તેના માણસોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ એ હદે પરેશાન કર્યા કે તેમને કાયદાકીય લડતનો સહારો લેવો પડ્યો છે. આશિયાના સોસાયટીના 4 જેટલા પરિવારોએ આક્ષેપ કર્યો છે કે, તેમને માનસિક રીતે હેરાન-પરેશાન કરીને તેમના ફ્લેટ તોડવામાં આવ્યા છે. પહેલા તેમના ઘરની પાણીની ટાંકી તોડી દેવામાં આવી, ત્યાર પછી સોસાયટીના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા, જેથી અમારી પાસે મકાન ખાલી કરવા સિવાય કોઈ રસ્તો હતો નહીં.
ખોટી રીતે પ્લાન પાસ કરાવ્યા બાદ બિલ્ડિંગ બાંધ્યું: પીડિતો
“શ્રી વિષ્ણુધારા આશિયાના’‘ નામની સ્કિમ બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ આ સોસાયટીના કેટલાક સભ્યોએ ઘરના બદલામાં ઘરની માગણી કરી હતી અને મકાન ખાલી કરવાથી ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ બિલ્ડર દ્વારા તેમને ઘર ખાલી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતુ. જો કે, સોસાયટીના સભ્ય ભાવેશભાઈ શાહ અને અન્ય 3 પરિવારોએ ઘર ખાલી ન કરતા તેઓને માનસિક રીતે હેરાન કરાયાનો આરોપ લગાવ્યો છે. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે, આ મામલે તેમને આજ દિન સુધી બિલ્ડર દ્વારા ભાડા પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. તેઓ લગભગ 4 વર્ષથી ભાડાના મકાનમાં રહી રહ્યા છે. આ અંગે પીડિત પરિવારોનું કહેવું છે કે, અમદાવાદ પોલીસ કમિશનર તથા ડીસીપીને લેખિતમાં જાણ કરી છે કે, બિલ્ડર દ્વારા અમારી સોસાયટીની જમીન પર ખોટી રીતે પ્લાન પાસ કરાવ્યા છે અને બિલ્ડિંગ બાંધી દીધું છે. અમે આ મામલે પરસ્પર સહમતીથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં બિલ્ડરને રસ નથી જેથી સમાધાન ન થતા અમે કાયદાનો સહારો લીધો છે.












