અમદાવાદ: આ વિસ્તારના 1600 મકાન અને 200 દુકાનો BU વગરની, તંત્રની નોટિસથી રોષ ફેલાયો

- 1600 મકાન અને 200 દુકાન દસ વર્ષથી બિલ્ડિંગ યુઝ પરમીશન વગરના
- દુકાનો ખાલી કરવા ત્રણ દિવસની નોટિસ આપતા દુકાનદારોમા ઉગ્ર આક્રોશ
- સ્વામિનારાયણ પાર્ક પાંચ અલગ અલગ સેકટરમાં બનાવવામા આવેલુ છે
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કના 1600 મકાન અને 200 દુકાન દસ વર્ષથી બિલ્ડિંગ યુઝ પરમીશન વગરના છે. દસ વર્ષ સુધી આ સ્કીમના કોન્ટ્રાકટર ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રકટર સાથે મિલીભગત રાખનારા કોર્પોરેશનના અધિકારીઓએ હવે દુકાનો ખાલી કરવા ત્રણ દિવસની નોટિસ આપતા દુકાનદારોમા ઉગ્ર આક્રોશ જોવા મળી રહયો છે.
બિલ્ડર દ્વારા જુના જી.ડી.સી.આર.મુજબ વારંવાર કરવામા આવેલી અરજી કોર્પોરેશન દ્વારા ગ્રાહય રાખવામા આવી નથી
બિલ્ડર દ્વારા જુના જી.ડી.સી.આર.મુજબ વારંવાર કરવામા આવેલી અરજી કોર્પોરેશન દ્વારા ગ્રાહય રાખવામા આવી નથી. ઈમ્પેકટના કાયદા હેઠળ બાંધકામ નિયમિત કરાવવા ઓનલાઈન અને ઓફલાઈન કન્સ્ટ્રકશન સેસ સહીત ફાયર એન.ઓ.સી.મેળવવા બિલ્ડરને તાકીદ કરાઈ હતી. વર્ષ-2011માં આ સ્કીમ જયાં બનાવાઈ છે તે વિસ્તાર ઔડા હસ્તક હતો. બિલ્ડર દ્વારા એ સમયે ઔડામાંથી બાંધકામ માટે રજા ચિઠ્ઠી લઈને બે વર્ષની અંદર બાંધકામ પુરુ કરી દેવામા આવ્યુ હતુ. બી.યુ.પરમીશન લીધી નહીં હોવા છતાં ગ્રાહકો સાથે વેચાણ દસ્તાવેજ કરી તેમને દુકાન કે મકાન વેચી દેવામા આવ્યા અને લોકો તેમા રહેવા પણ જતા રહયા. સ્વામિનારાયણ પાર્ક પાંચ અલગ અલગ સેકટરમાં બનાવવામા આવેલુ છે.
બિલ્ડર અને કોર્પોરેશનના સ્ટાફની મિલીભગતના કારણે નિર્દોષ લોકો હાલ મુશ્કેલીમા મુકાયા
સ્થાનિકોના આક્ષેપ મુજબ,બિલ્ડર દ્વારા જે પ્લાન બનાવાયો હતો તેમાં ફલેટના કેટલાક ભાગમાં ખુલ્લો પેસેજ રાખવામા આવ્યો હતો. ત્યાં હવે દુકાનો બનાવી દેવામા આવી છે. આ દુકાનો દસ્તાવેજ કરી વેચી દેવામાં આવી છે. આ વિસ્તારનો વર્ષ-2015માં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમા સમાવેશ કરવામા આવ્યો હતો. તેની ફાઈલ કોર્પોરેશન પાસે આવતા કાર્યવાહી કોણ કરે એ બાબતને લઈ થોડો સમય ગજગ્રાહ ચાલ્યા પછી કોર્પોરેશન તરફથી બિલ્ડરને નોટિસ ફટકાઈ હોવાનુ ઉત્તરઝોનના કોર્પોરેશનના અધિકારી વિશાલ ખનામાએ એક વાતચીતમા કહયુ છે. દસ વર્ષમાં ઉત્તરઝોનમાં આવેલા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કે વોર્ડના ઈન્સપેકટરો પણ અત્યાર સુધી કાર્યવાહી કરવાને લઈને કયા કારણથી નિષ્ક્રીય રહયા એ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે. બિલ્ડર અને કોર્પોરેશનના સ્ટાફની મિલીભગતના કારણે નિર્દોષ લોકો હાલ મુશ્કેલીમા મુકાયા છે.
આ પણ વાંચો: ગુજરાત: MLA દ્વારા મુખ્યમંત્રીને દેવા માફી માટે લખાયો પત્ર, પગાર આપવાની પણ તૈયારી












