અમદાવાદમાં હનીટ્રેપનું મોટું કૌભાંડ ઝડપાયું, મોટી ઉંમરના લોકોને ફસાવી રુપિયા પડાવતા

અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2026: અમદાવાદમાંથી હનીટ્રેપનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આરોપીઓ ઉંમરલાયક લોકોને પ્રેમજાળમાં ફસાવતા અને પણ અસલી ખેલ શરુ કરતા. આ ટોળકી લોકોને ફસાવી કર્ણઆવતી એન્કલેવ ખાતે ભાડે રાખેલા ફ્લેટ પર બોલાવી બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નકલી પોલીસ બની રુપિયા પડાવતા હતા. અમદાવાદમાં રામોલ પોલીસે હનીટ્રેપ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે. જેની શોધખોળ ચાલી રહી છે.
રામોલ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળ્યો હતો. જેથી પોલીસ વસ્ત્રાલમાં કર્ણાવતી એન્કલેવમાં પહોંચી હતી જ્યાં એક વ્યક્તિને મહિલા દ્વારા રૂબરૂ મળવા બોલાવ્યો હતો. આ વ્યક્તિ ત્યાં પહોંચ્યા ત્યારે નકલી પોલીસ બનીને ખોટા કેસમાં ફસાવવાનું કહીને 20 લાખની માંગણી કરી હતી. આ વ્યક્તિએ પૈસા ન આપતા લાફા મારી 20 હજાર પડાવી લીધા હતાં. પોલીસે ફ્લેટ પર પહોંચીને ઉપેશ સરવૈયા, હિતેન ચૌહાણ અને અસફાક શેખની ધરપકડ કરી હતી.
તપાસમાં સામે આવ્યું હતું કે, આ ત્રણ આરોપીમાં મુખ્ય આરોપી રવિ હળવદીયા તેની પત્ની ગીતા ગોહિલ, હિતેન ચૌહાણની માતા સંગીત ચૌહાણ અને અસફાકની ગર્લ ફ્રેન્ડ નાઝ ખાન સાથે મળીને હનીટ્રેપનું રેકેટ ચલાવતા હતાં. જેમાં મોટી ઉમરના લોકોને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી કોન્ટેક્ટ કરી મળવા બોલાવી પૈસા પડાવતા હતા.
આ પણ વાંચો: પ્રેમિકાએ વાત કરવાની ના પાડી તો પ્રેમીએ ગુસ્સામાં પેટ્રોલ છાંટી આંગ લગાવી દીધી, બંનેની હાલત ગંભીર











