ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં પહેલીવાર બિનજરૂરી હોર્ન વગાડનાર સામે ડ્રાઇવ

સુરતમાં પહેલીવાર બિનજરુરી હોર્ન વગાડનારાઓ સામે પોલીસની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. રસ્તા પર સતત હોર્ન વગાડી લોકોને ત્રાસ આપનારાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને 500થી લઈને 1,000 સુધીનો દંડ થઈ શકે છે. પહેલા જ દિવસે સિગ્નલો પર હોર્ન વગાડવા મુદ્દે પોલીસે ટોકતાં વાહનચાલકોએ અલગ અલગ બહાનાં કાઢ્યાં હતાં.

સુરતમાં લોકો બિનજરૂરી હોર્ન વગાડે છે, જેના કારણે સિગ્નલ પર ઊભેલા અન્ય વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. જેથી તેવા લોકોને પાઠ ભણાવવા માટે પોલીસ હવે સતર્ક બની છે. બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ-પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાયદેસરનાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે PSIએ જણાવ્યું કે અમે લોકોને જણાવી રહ્યા છે કે બિનજરૂરી હોર્ન વગાડવાનું ટાળો. મોટા જંક્શન અને જ્યાં મેઈન ચાર રસ્તા છે ત્યાં બૂમ કેમેરા લગાડવામાં આવ્યા છે. જો કોઈ કામ વગર હોર્ન વગાડશે તો વધુપડતા હોર્ન વગાડવા અંગે ઈ-ચલણ તાત્કાલિક મોકલી આપવામાં આવશે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક-પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ લોકોને સમજાવશે કે વાહન ચલાવતી વખતે અને ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરવો.

Back to top button