PM મોદીના બંદોબસ્ત બાદ પરત ફરતા મહિલા પોલીસકર્મી અને 108નાં મહિલા કર્મીનું અકસ્માતમાં મૃત્યુ

અમદાવાદ, તા. 25 ઓગસ્ટ, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસ દરમિયાન બંદોબસ્તની ફરજ પૂર્ણ કરીને પરત ફરી રહેલી બે મહિલા કર્મચારીઓનું આજે કમકમાટીભર્યા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કઠવાડા વિસ્તારમાં એક ડમ્પરે તેમની એક્ટિવાને ટક્કર મારતા આ દુર્ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, આજે સોમવારે (25 ઓગસ્ટે) વડાપ્રધાનના બંદોબસ્તમાં સામેલ મહિલા પોલીસકર્મી અને 108નાં મહિલા કર્મચારી ફરજ પૂર્ણ કરીને એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કઠવાડા પાસે એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓ ડમ્પર નીચે કચડાઈ ગઈ હતી. અકસ્માત બાદ ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ બંનેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસે ડમ્પરચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ મામલે જી ડિવિઝનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં અને કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ પણ વાંચોઃ નિકોલમાં વડાપ્રધાને સંબોધન શરૂ કરતાં જ લાગ્યા મોદી-મોદીના નારા, વાંચો બીજું શું બોલ્યા મોદી












