ગુજરાતના આ શહેરોના જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પુલ અને 10 બાયપાસ બનશે
- કનેક્ટેડ નેશનલ હાઇવેનો પ્રોજેક્ટ રૂપિયા 1271.02 કરોડના ખર્ચે બનશે
- માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીએ ટ્વીટરના માધ્યમથી વિગતો આપી
- ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે
જામનગર-જૂનાગઢ, પોરબંદર-જામખંભાળીયા અને રાજકોટ-પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પુલ અને 10 બાયપાસ બનશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરબંદર સાથે કનેક્ટેડ નેશનલ હાઇવેનો પ્રોજેક્ટ રૂપિયા 1271.02 કરોડના ખર્ચે બનશે, જે અંગે કેન્દ્ર સરકારના માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીએ ટ્વીટરના માધ્યમથી વિગતો આપી હતી, જેમાં તેઓએ જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમને ટેગ કર્યા હતા.
2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી
કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરીએ ટ્વીટરમાં આપેલી વિગતો મુજબ ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે-151 કે ના સમગ્ર 119.50 કિમી પોરબંદર-ભાણવડ-જામજોધપુર-કાલાવડ સેક્શનને રૂ.1271.02 કરોડના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે
આ રોડનો પ્રોજેક્ટ પોરબંદર નજીક નેશનલ હાઈવે-51 સાથે તેના જંકશનથી શરૂ થાય છે અને ભાણવડ, જામજોધપુરને જોડે છે અને કાલાવડ નજીક નેશનલ હાઈવે-927 ડી સાથે તેના જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151 કે ત્રણ મહત્વના ધોરીમાર્ગો એટલે કે પોરબંદર-ખંભાળિયા (એન.એચ-927 કે ), જૂનાગઢ-જામનગર (એન.એચ 927-ડી) અને રાજકોટ-પોરબંદર (એન.એચ-27) વચ્ચે કનેક્ટર તરીકે કામ કરે છે. આ નેશનલ હાઇવેમાં ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ, 8 મોટા પુલ અને 10 બાયપાસ સાથેનું અપગ્રેડેશન ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે તેમ પણ ગડકરીએ ઉમેર્યું હતુ.
આ પણ વાંચો: ગુજરાત: 1 વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, જાણો કયા પક્ષને સૌથી વધુ મળ્યા રૂપિયા












