નેશનલબિઝનેસ

ગત વર્ષની સરખામણીએ 2022માં સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં 28%નો વધારો

2021-22માં 777 મિલિયન ટનના રેકોર્ડ કોલસાના ઉત્પાદન પછી દેશનું સ્થાનિક કોલસાનું ઉત્પાદન ચાલુ નાણાકીય વર્ષમાં સતત વધી રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 31 મે, 2022 સુધી કુલ સ્થાનિક કોલસાનું ઉત્પાદન 137.85 મિલિયન ટન રહ્યું. જે 2021ના સમાન સમયગાળામાં 104.83 મિલિયન ટન કરતાં 28.6 ટકા વધુ હતું. ઉત્પાદનમાં વધારાની આ પેટર્ન આ મહિને એટલે કે જૂનમાં ચાલુ રહેવાની ધારણા છે.

16 જૂન, 2022 સુધીના ડેટા પર નજર કરીએ તો કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં કોલસાના ઉત્પાદનમાં 28 ટકાનો વધારો કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં સ્થાનિક કોલસા ઉત્પાદનનો લક્ષ્યાંક 911 મેટ્રિક ટન છે. જે પાછલા વર્ષ કરતાં 17.2 ટકા વધુ છે. જ્યારે સ્થાનિક કોલસા આધારિત (DCB) પાવર પ્લાન્ટ્સમાંથી કોલસાની આયાત 2021-22માં ઘટીને 8.11 મિલિયન ટન થઈ હતી. જે આઠ વર્ષમાં સૌથી નીચું સ્તર છે. સ્થાનિક સ્ત્રોતોમાંથી કોલસાના મજબૂત પુરવઠા અને સ્થાનિક કોલસા ઉત્પાદનમાં વધારાને કારણે આ શક્ય બન્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત
2016-17 થી 2019-20 સુધી આયાતી કોલસા આધારિત (ICB) પાવર પ્લાન્ટ્સે વાર્ષિક 45 મિલિયન ટનથી વધુ કોલસાની આયાત કરી હતી. તે જ સમયે IBC પાવર પ્લાન્ટની કોલસાની આયાત 2021-22માં 18.89 મિલિયન ટનના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની ઊંચી કિંમતને કારણે આ પ્લાન્ટ્સની આયાત ઓછી થઈ.

કોલસાનો સ્ટોક વધશે
કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે હાલમાં જ કહ્યું હતું કે, સરકાર ચોમાસા દરમિયાન પાવર પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક વધારીને 40 મિલિયન ટન કરવાની તૈયારી કરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, પાવર પ્લાન્ટમાં હાલમાં લગભગ 22.9 મિલિયન ટનનો સ્ટોક છે. તેમણે કહ્યું હતું કે, દર વર્ષે વરસાદની મોસમમાં સ્થાનિક કોલસાનું ઉત્પાદન ઘટે છે. જેના માટે સરકાર તૈયારી કરી રહી છે.

Back to top button