રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 207 તાલુકામાં વરસાદ, ધરમપુરમાં સૌથી વધુ

અમદાવાદ, તા. 23 ઓગસ્ટ, 2025: રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યમાં સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 207 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વલસાડના ધરમપુર તાલુકામાં સૌથી વધુ 4.17 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભેંસાણમાં 3.9 ઇંચ, પારડીમાં 3.54 ઇંચ, વ્યારામાં 3.27 ઇંચ, સોનગઢમાં 2.87 ઇંચ. ગરુડેશ્વરમાં 2.83 ઇંચ, નાંદોદમાં 2.76 ઇંચ, ખેરગામમાં 2.68 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાર તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, 10 તાલુકામાં બે ઇંચથી વધારે, 36 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 79.06 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 82.91 ટકા, દક્ષિણ ગુજરાતમાં 81.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.33 ટકા, સૌરાષ્ટ્રમાં 78.57 ટકા અને પૂર્વ મધ્યમાં 75.56 ટકા વરસાદ વરસ્યો છે.
વરસાદના આંકડા જોવા અહીં ક્લિક કરોઃ 06.00 TO 18.00 HRS RAINFALL DATA DT.23.08.2025
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગ દ્વારા 24 થી 26 ઓગસ્ટ સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27 થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યના 10 થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 26 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, પૂર્વ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. બનાસકાંઠા, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. કોઈ કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે. 28 તારીખ સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટ બોર્ડે લીધો મોટો નિર્ણય, ઘરેલું ક્રિકેટમાં થશે મોટા ફેરફારો












