પાકિસ્તાનમાં એક કરોડથી વધુ લોકો ભૂખમરાનો ભોગ બને તેવી શક્યતા

વોશિંગ્ટન ડીસી, 26 એપ્રિલ, 2025: જમ્મુ કાશ્મીરના પહેલાગમમાં આતંકી હુમલા પછી દરેક મોર્ચે પડોશી દેશ પાકિસ્તાન માટે ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. એક બાજુ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)એ પાકિસ્તાનનો વૃદ્ધિ દર નીચો આંક્યો છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાનને વર્લ્ડ બેંકે મોટી ચેતવણી આપતા કહ્યું છે કે પ્રવર્તમાન નાણાંકીય વર્ષમાં આશરે એક કરોડ લોકો માટે ભૂખમરાની સ્થિતિ પેદા થશે. તેની સાથે જ ગરીબી સ્તરમાં પણ ઝડપથી વધારો થશે.
પાકિસ્તાનમાં ગરીબી વધવાની ચેતવણી પહેલા વર્લ્ડ બેન્કે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આર્થિક ગતિ 2.7 ટકા રહેવાનો અંદાજ છે. તેના કારણમાં વર્લ્ડ બેન્ક પાકિસ્તાનમાં કડક આર્થિક નીતિઓને જવાબદાર માને છે.
1 કરોડ લોકો ભૂખમરાની આરે છે
એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, વિશ્વ બેંકે તેના અહેવાલમાં કહ્યું છે કે શાહબાઝ શરીફની સરકાર વાર્ષિક રાજકોષીય ખાધના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે અને તેના કારણે જીડીપીની તુલનામાં પાકિસ્તાન પર દેવાનો બોજમાં વધારાની આશંકા છે.
રિપોર્ટ અનુસાર, વિશ્વ બેંકે કહ્યું કે હવામાનના કારણે પાકિસ્તાનનું સમગ્ર કૃષિ ઉત્પાદન પ્રભાવિત થશે અને ચોખા, બાજરીના પાક જેવા મુખ્ય પાકોને ખરાબ અસર થશે. તેણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં લગભગ 10 મિલિયન લોકો (મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં) ભૂખમરાની આરે પહોંચી જશે.
પાકિસ્તાનમાં ગરીબી વધુ વધશે
અત્રે નોંધનીય છે કે વિશ્વ બેંકના અહેવાલમાં ફરી એકવાર એવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેની સામાન્ય રીતે અધિકારીઓની બેઠકમાં ચર્ચા થતી નથી. આ મુદ્દાઓ છે – ખોરાકની અછત, ગરીબી, બેરોજગારી અને દૈનિક જરૂરિયાતોમાં ઘટાડો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કૃષિ, ઉત્પાદન અને અન્ય ઓછી વેતન સેવાઓ જેવા મુખ્ય ક્ષેત્રોને નકારાત્મક અસર થશે, જેના કારણે દૈનિક વેતન પણ વધી શકશે નહીં.
વિશ્વ બેંકે પાકિસ્તાન માટે બીજી ચેતવણી જારી કરતા કહ્યું છે કે તેની લગભગ બે ટકા વસ્તી અથવા 19 લાખ લોકો ચાલુ નાણાકીય વર્ષમાં ગરીબી રેખા નીચે આવી જશે. વધુમાં, પાકિસ્તાનનો રોજગાર-થી-વસ્તી ગુણોત્તર 49.7% છે, જે ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં શ્રમ બજારમાં ભાગીદારીનો નીચો દર દર્શાવે છે.”












