સાયન્સ એન્ડ ટેકનોલોજી

Zepto પર અસલીના નામે ચાઈનીઝ પ્રોડક્ટ? કોમેડિયનના આરોપથી હંગામો, તમારી ઘડિયાળ અસલી છે કે નકલી આ રીતે કરો ચેક

Zepto Fake Apple Watch: દેશભરમાં ગણતરીની મિનિટોમાં સામાન પહોંચાડવા માટે જાણીતી ક્વિક ડિલિવરી એપ ‘ઝેપ્ટો’ (Zepto) પરથી ઓર્ડર કરનારા ગ્રાહકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા વીર દાસે ઝેપ્ટો પરથી ખરીદેલી એપલ વોચ નકલી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી તેમની પોસ્ટ અને વીડિયોએ ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે અને કંપનીની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

કસ્ટમર કેરે હાથ અધ્ધર કર્યા

વીર દાસે એક્સ (ટ્વિટર) પર ઘડિયાળનો વીડિયો શેર કરીને પોતાનો આક્રોશ ઠાલવતા લખ્યું, “શું હું ખોટો છું, કે પછી બધી જ એપલ વોચ આવી દેખાય છે? ઝેપ્ટો અસલી કહીને માત્ર ચાઈનીઝ નકલો વેચીને ગ્રાહકો સાથે ગડબડ કરી રહ્યું છે?” તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમારે શૂટિંગ માટે તાત્કાલિક આ ઘડિયાળની જરૂર હતી, જેના માટે ઝેપ્ટોએ અમારી પાસેથી ₹50,000 વસૂલ્યા. જ્યારે અમે ઘડિયાળ નકલી હોવાનું જોયું અને કસ્ટમર કેરનો સંપર્ક કર્યો, ત્યારે એજન્ટે એમ કહીને હાથ અધ્ધર કરી દીધા કે તેઓ આમાં કંઈ કરી શકે તેમ નથી. આ એક સંપૂર્ણ કૌભાંડ છે.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઝેપ્ટોએ આપી સત્તાવાર પ્રતિક્રિયા અને તપાસની ખાતરી

આ મામલો સોશિયલ મીડિયા પર ગરમાતા ઝેપ્ટોએ વીર દાસની પોસ્ટનો સત્તાવાર જવાબ આપ્યો છે. કંપનીએ જણાવ્યું કે, “અમે આવી બાબતોને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ. પ્રોડક્ટ માટે રિવર્સ પિકઅપ શેડ્યૂલ કરી દેવામાં આવ્યું છે, જેથી અમે અમારા સત્તાવાર બ્રાન્ડ પાર્ટનર્સ સાથે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી શકીએ.” આ સાથે ઝેપ્ટોએ ગ્રાહકોને અપીલ કરી છે કે, મોંઘી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ડિલિવરી વખતે બોક્સ બરાબર સીલ છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ ડિલિવરી બોય સાથે ઓટીપી (OTP) શેર કરવો.

ઓનલાઈન મંગાવેલી એપલ વોચ અસલી છે કે નકલી, આ રીતે ચેક કરો

જો તમે પણ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મોંઘી એપલ પ્રોડક્ટ્સ ખરીદો છો, તો તેની સત્તાવાર વેબસાઈટ પર જઈને આ રીતે તપાસ કરી શકો છો:
સૌપ્રથમ એપલના સત્તાવાર કવરેજ ચેક પોર્ટલ (checkcoverage.apple.com) પર જાઓ.
તમારા ગેજેટના બોક્સ અથવા સેટિંગ્સમાં આપેલો ‘સિરીયલ નંબર’ અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરો.
સબમિટ બટન પર ક્લિક કરતા જ જો પ્રોડક્ટ અસલી હશે તો તેની વોરંટી અને મોડેલની વિગતો સ્ક્રીન પર દેખાશે. જો વિગતો ન આવે, તો સમજી લેવું કે પ્રોડક્ટ નકલી છે.

આ પણ વાંચો: સસ્તા રિચાર્જ પ્લાન અંગે TRAI અને ટેલિકોમ કંપનીઓ સામસામે: Jio, Airtel અને Vi એ માત્ર કૉલિંગ-SMS વાળા પ્રસ્તાવનો કર્યો વિરોધ

Back to top button