પરાગ્વેમાં મોટો રાજકીય ભૂકંપ! બેંકિંગ કૌભાંડ બાદ રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાની ખુરશી છીનવાઈ

દક્ષિણ અમેરિકાના દેશ પરાગ્વેમાં મોટો રાજકીય ઉલટફેર થયો છે. દેશના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એક મોટા બેંકિંગ સંકટ અને તેમાં થયેલી કથિત ગેરરીતિઓને લઈને પેના સામે ગંભીર આરોપો લાગ્યા હતા. આ રાજકીય ઘટનાક્રમ બાદ ઉપપ્રમુખ પેડ્રો એલિયાના (Pedro Alliana)એ નવા રાષ્ટ્રપતિ તરીકે સત્તાની કમાન સંભાળી લીધી છે. બીજી તરફ, પદ પરથી હટાવાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ પેનાને નજરકેદ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિને પદ પરથી હટાવાયા
પરાગ્વેની સંસદના ઉચ્ચ ગૃહ એટલે કે સેનેટમાં રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના સામે મહાભિયોગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમના પર મોટા બેંકિંગ સંકટના મામલે ગંભીર બેદરકારી દાખવવા અને સત્તાનો દુરુપયોગ કરવાના આરોપો લાગ્યા હતા.
શુક્રવારે યોજાયેલા મતદાનમાં પેનાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવના સમર્થનમાં હાજર તમામ 44 સભ્યોએ મતદાન કર્યું હતું, જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. આ સાથે મહાભિયોગની પ્રક્રિયા પૂર્ણ થતાં પેનાએ રાષ્ટ્રપતિ પદ ગુમાવ્યું હતું.
આ પહેલાં ગુરુવારે પેનાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. જોકે, સાંસદોએ તેમનું રાજીનામું સ્વીકારવાને બદલે મહાભિયોગની પ્રક્રિયા આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.
પેના પદ પરથી હટાવાયા બાદ ઉપપ્રમુખ પેડ્રો એલિયાનાએ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ ઓગસ્ટ 2028 સુધી રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળશે.
Ueno બેંકના સંકટથી શરૂ થયો રાજકીય વિવાદ
પરાગ્વેમાં આ મોટા રાજકીય સંકટની શરૂઆત Ueno બેંકના અચાનક બંધ થવાથી થઈ હતી. આ બેંક ગંભીર નાણાકીય મુશ્કેલીઓ અને ચૂકવણી કરવાની ક્ષમતામાં ઘટાડાનો સામનો કરી રહી હતી.
પરિસ્થિતિ ગંભીર બનતાં દેશની સેન્ટ્રલ બેંકે હસ્તક્ષેપ કર્યો હતો અને આ નાણાકીય સંસ્થાને પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી. બેંકિંગ સંકટના કારણે લાખો ખાતાધારકોને પોતાની જમા મૂડી અને બેંકિંગ સેવાઓ સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ સમગ્ર મામલામાં રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાના બેંક સાથેના કથિત વ્યાપારી સંબંધો પણ ચર્ચામાં આવ્યા હતા. આરોપ હતો કે પેનાના પ્રભાવના કારણે બેંકને સરકારી સ્તરે ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો અને નિયમનકારી દેખરેખમાં બેદરકારી દાખવવામાં આવી હતી. જોકે, પેનાએ પોતાની સામે લાગેલા તમામ ગેરરીતિના આરોપોને નકારી કાઢ્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ સામે ફોજદારી તપાસ પણ શરૂ
બેંકિંગ સંકટ વધુ ઘેરું બન્યા બાદ પરાગ્વેના એટર્ની જનરલે સેન્ટિયાગો પેના અને અનેક પૂર્વ અધિકારીઓ સામે ત્રણ અલગ-અલગ ફોજદારી તપાસ શરૂ કરી છે.
આ તપાસમાં વિશ્વાસઘાત, સત્તાનો દુરુપયોગ અને અન્ય ગંભીર આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. મહાભિયોગ દ્વારા પદ પરથી હટાવાયા બાદ પેનાને પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે મળતી કાનૂની સુરક્ષા પણ સમાપ્ત થઈ ગઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આ સાથે જ તેમની સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે અને તેમને નજરકેદ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
કોણ છે સેન્ટિયાગો પેના?
સેન્ટિયાગો પેના 44 વર્ષની ઉંમરે ઓગસ્ટ 2023માં પરાગ્વેના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ દેશની દક્ષિણપંથી કોલોરાડો પાર્ટી સાથે જોડાયેલા છે. રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ અર્થશાસ્ત્રી તરીકે કામ કરી ચૂક્યા છે અને નાણામંત્રીની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.
તેમની ગણતરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સાથે નજીકના સંબંધો ધરાવતા લેટિન અમેરિકાના નેતાઓમાં થતી હતી.
આ રાજકીય ઉથલપાથલ વચ્ચે અમેરિકાએ પરાગ્વે સાથેના સંબંધો યથાવત્ રાખવાની વાત કરી છે. હવે સમગ્ર વિશ્વની નજર પરાગ્વેની નવી સરકાર અને બેંકિંગ સંકટની તપાસ પર રહેશે. આ ઘટનાક્રમ દેશની રાજનીતિ અને અર્થવ્યવસ્થા પર લાંબા ગાળે શું અસર કરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ, દિવસ દરમિયાન 36 ડિગ્રી ગરમી! ગુજરાતમાં બેવડી ઋતુથી લોકો પરેશાન












