ટોપ ન્યૂઝવિશેષહેલ્થ

પૃથ્વીના 10 સૌથી ખતરનાક વાયરસ: કેટલાકનો મૃત્યુદર 90%થી વધુ, માનવજાત માટે આજે પણ મોટો ખતરો

કોરોના મહામારી પછી સમગ્ર દુનિયાને સમજાયું કે એક નાનો વાયરસ પણ આખી માનવજાતને ઘૂંટણિયે નમાવી શકે છે. જોકે કોરોના પહેલાં પણ દુનિયામાં અનેક એવા જીવલેણ વાયરસ આવી ચૂક્યા છે, જેમણે લાખો નહીં પરંતુ કરોડો લોકોના જીવ લીધા છે. કેટલાક વાયરસ એટલા ખતરનાક છે કે એકવાર લક્ષણો દેખાયા પછી દર્દીને બચાવવો લગભગ અશક્ય બની જાય છે. વૈજ્ઞાનિકો અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) સતત આવા વાયરસ પર નજર રાખી રહ્યા છે કારણ કે ભવિષ્યમાં નવી મહામારીનો ખતરો હજુ ટળ્યો નથી. આવો જાણીએ દુનિયાના 10 સૌથી ખતરનાક અને જીવલેણ વાયરસ વિશે વિગતવાર…

1. રેબિઝ વાયરસ – મૃત્યુ લગભગ નિશ્ચિત

રેબિઝ વાયરસને દુનિયાનો સૌથી ઘાતક વાયરસ માનવામાં આવે છે. આ વાયરસ સામાન્ય રીતે સંક્રમિત કૂતરા, વાંદરા, ચામાચીડિયા અથવા અન્ય પ્રાણીઓના કાટવાથી ફેલાય છે. વાયરસ સીધો માનવના નર્વસ સિસ્ટમ અને મગજ પર હુમલો કરે છે. શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો અને બેચેની થાય છે, પરંતુ પછી દર્દીને પાણીથી ડર લાગવો, માનસિક અસંતુલન અને શરીરમાં ખીંચાવો આવવા લાગે છે.

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, એકવાર લક્ષણો દેખાવા લાગે પછી દર્દીને બચાવવાની શક્યતા લગભગ શૂન્ય બની જાય છે. WHO અનુસાર દર વર્ષે આશરે 59 હજાર લોકો રેબિઝના કારણે મૃત્યુ પામે છે, જેમાં મોટાભાગના કેસ એશિયા અને આફ્રિકામાં જોવા મળે છે. ભારતમાં પણ દર વર્ષે હજારો લોકો રેબિઝના કારણે જીવ ગુમાવે છે. જોકે સમયસર વેક્સિન અને ઈન્જેક્શન લેવાથી આ રોગથી બચી શકાય છે.

2. ઇબોલા વાયરસ – શરીરમાંથી રક્તસ્ત્રાવ કરાવતો ખતરનાક વાયરસ

ઇબોલા વાયરસ દુનિયાના સૌથી ભયાનક હેમોરેજિક ફીવર પૈકીનો એક છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને ભારે તાવ, ઉલ્ટી, શરીરમાં દુખાવો અને આંતરિક રક્તસ્ત્રાવ થવા લાગે છે. ઘણીવાર આંખ, નાક અને મોઢામાંથી પણ લોહી વહેવા લાગે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

2014થી 2016 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં આવેલા ઇબોલાના પ્રકોપે આખી દુનિયાને હચમચાવી નાખી હતી. હજારો લોકોના મોત થયા હતા અને અનેક દેશોએ ઇમરજન્સી જાહેર કરી હતી. કેટલાક આઉટબ્રેકમાં તેનો મૃત્યુદર 90 ટકા સુધી નોંધાયો હતો. હાલમાં ઇબોલાની વેક્સિન ઉપલબ્ધ છે, છતાં આ વાયરસ હજુ પણ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ખતરો બની રહ્યો છે.

3. મારબર્ગ વાયરસ – ઇબોલા કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે

મારબર્ગ વાયરસ ઇબોલા પરિવારનો જ એક જીવલેણ વાયરસ છે. આ વાયરસ પણ ભારે બ્લીડિંગ, ઓર્ગન ફેલ્યોર અને આંતરિક રક્તસ્ત્રાવનું કારણ બને છે. તેનું સંક્રમણ મુખ્યત્વે ફળ ખાતી ચામાચીડિયાઓથી ફેલાય છે. મારબર્ગ વાયરસથી સંક્રમિત વ્યક્તિને શરૂઆતમાં સામાન્ય તાવ જેવી લક્ષણો દેખાય છે, પરંતુ થોડા જ દિવસોમાં સ્થિતિ ગંભીર બની જાય છે. કેટલાક કેસોમાં મૃત્યુદર 80 ટકા કરતાં પણ વધુ નોંધાયો છે. WHO સતત આ વાયરસને લઈને સતર્ક છે કારણ કે તેની કોઈ સંપૂર્ણ અસરકારક દવા હજુ સુધી ઉપલબ્ધ નથી.

4. HIV/AIDS – વિશ્વની સૌથી લાંબી મહામારી

HIV વાયરસ માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિને ધીમે ધીમે નષ્ટ કરે છે. જો સમયસર સારવાર ન મળે તો એઇડ્સ થાય છે અને શરીર સામાન્ય ચેપ સામે પણ લડવામાં અસમર્થ બની જાય છે.

1980ના દાયકાથી અત્યાર સુધી કરોડો લોકો HIV/AIDSના કારણે મૃત્યુ પામ્યા છે. શરૂઆતમાં આ રોગને લઈને ભારે ડર અને ગેરસમજ હતી. જોકે હવે એન્ટીરેટ્રોવાયરલ થેરાપી (ART)ના કારણે HIV પોઝિટિવ લોકો સામાન્ય જીવન જીવી શકે છે. છતાં હજુ સુધી તેની સંપૂર્ણ સારવાર અથવા વેક્સિન મળી નથી.

5. સ્મોલપોક્સ – એક એવો વાયરસ જેને દુનિયાએ હરાવ્યો

સ્મોલપોક્સ એક સમયનો દુનિયાનો સૌથી ભયાનક વાયરસ હતો. આ વાયરસના કારણે શરીર પર મોટા ફોલ્લા, ભારે તાવ અને ગંભીર ચેપ થતો હતો. લાખો લોકોના મૃત્યુ થયા હતા અને બચી ગયેલા લોકોના ચહેરા પર કાયમી દાગ રહી જતા હતા. WHOએ વિશ્વવ્યાપી વેક્સિનેશન અભિયાન ચલાવ્યું અને 1980માં સ્મોલપોક્સને સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કર્યો હતો. આ માનવ ઇતિહાસની સૌથી મોટી આરોગ્ય સફળતાઓમાંની એક ગણાય છે.

6. નિપાહ વાયરસ – ભારતમાં પણ ફેલાઈ ચૂકેલો જીવલેણ વાયરસ

નિપાહ વાયરસ ચામાચીડિયાં અને ડુક્કર જેવા પ્રાણીઓથી ફેલાય છે. આ વાયરસ મગજ અને શ્વાસતંત્ર પર ગંભીર અસર કરે છે. દર્દીને ભારે તાવ, માથાનો દુખાવો, ગૂંચવણ અને કોમામાં જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતના કેરળમાં અનેક વખત નિપાહ વાયરસના કેસો નોંધાયા છે. તેનું મૃત્યુદર 40થી 70 ટકા સુધી હોઈ શકે છે. હાલમાં તેની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી.

7. હંટાવાયરસ – ઉંદરોથી ફેલાતો ખતરનાક ચેપ

હંટાવાયરસ ઉંદરના મૂત્ર, થૂંક અથવા મળથી ફેલાય છે. આ વાયરસ ફેફસાં પર ગંભીર અસર કરે છે. શરૂઆતમાં સામાન્ય ફ્લૂ જેવી લક્ષણો દેખાય છે, પરંતુ થોડા સમયમાં દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગે છે. અમેરિકા અને એશિયાના કેટલાક વિસ્તારોમાં તેના કેસો નોંધાતા રહે છે. સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

8. બર્ડ ફ્લૂ (H5N1) – ભવિષ્યની મહામારીનો ખતરો

બર્ડ ફ્લૂ મુખ્યત્વે પક્ષીઓમાં ફેલાતો વાયરસ છે, પરંતુ કેટલીકવાર તે મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે. H5N1 વાયરસનો મૃત્યુદર ખૂબ ઊંચો માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોને સૌથી વધુ ભય એ વાતનો છે કે જો આ વાયરસ માનવથી માનવમાં ઝડપથી ફેલાવા લાગશે તો કોરોના જેવી નવી વૈશ્વિક મહામારી સર્જાઈ શકે છે.

9. SARS અને MERS – કોરોના પરિવારના જીવલેણ વાયરસ

SARS વાયરસ પ્રથમવાર 2003માં ચીનમાં સામે આવ્યો હતો જ્યારે MERS 2012માં મધ્ય પૂર્વમાં જોવા મળ્યો હતો. બંને વાયરસ ગંભીર શ્વાસ સંબંધિત બીમારીઓનું કારણ બને છે. ખાસ કરીને MERSનો મૃત્યુદર આશરે 35 ટકા સુધી નોંધાયો હતો. કોરોના મહામારી પહેલાં આ બંને વાયરસે વૈજ્ઞાનિકોને ચેતવણી આપી દીધી હતી કે કોરોના પરિવારના વાયરસ ભવિષ્યમાં મોટો ખતરો બની શકે છે.

10. કોરોના વાયરસ (COVID-19) – જેણે આખી દુનિયા બદલી નાખી

2019માં ચીનથી શરૂ થયેલી કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હતી. લાખો લોકોના મૃત્યુ થયા, અર્થતંત્ર તૂટી પડ્યું અને લોકો લાંબા સમય સુધી ઘરમાં કેદ રહ્યા હતા. કોરોનાએ દુનિયાને શીખવ્યું કે વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થા કેટલી મહત્વપૂર્ણ છે. અનેક દેશોએ વેક્સિન બનાવી અને મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવ્યું. છતાં નવા વેરિઅન્ટ્સ હજુ પણ ચિંતા વધારી રહ્યા છે.

શા માટે વધી રહ્યો છે નવા વાયરસનો ખતરો?

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ક્લાઈમેટ ચેન્જ, જંગલોનો નાશ, જંગલી પ્રાણીઓ સાથે વધતો સંપર્ક અને વધતી વૈશ્વિક મુસાફરી નવા વાયરસના ખતરને વધુ ગંભીર બનાવી રહ્યા છે. વૈજ્ઞાનિકો માને છે કે ભવિષ્યમાં નવી મહામારીઓ અટકાવવા માટે વૈશ્વિક સ્તરે આરોગ્ય વ્યવસ્થા, સંશોધન અને વેક્સિનેશન પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

આ પણ વાંચો: ફ્રાન્સમાં હીટવેવનો હાહાકાર: ટ્રેનમાં મુસાફરોને લાગી લૂ, વચ્ચે જ રોકવી પડી સફર

 

 

Back to top button