ટ્રેન્ડિંગવર્લ્ડ

ઓરેકલ બાદ વધુ એક કંપનીમાં થશે છટણી, હજારો કર્મચારીઓ ગુમાવશે નોકરી

Layoff News: છેલ્લા કેટલાક સમયથી જાયન્ટ કંપનીઓમાં લે-ઓફ થઈ રહ્યું છે. મોટા પાયે કંપનીઓમાં છટણીઓ થઈ રહી છે, જેના કારણે હજારો લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

હવે વધુ એક જાયન્ટ કંપની દ્વારા લે-ઓફની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકન એક્શન કેમેરા નિર્માતા GoProએ ખર્ચ ઘટાડવા અને ખોટમાંથી બહાર આવવા માટે તેના કેટલાક કર્મચારીઓને છુટા કરશે. અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) સાથેની ફાઇલિંગમાં, GoPro એ જણાવ્યું હતું કે, કંપની વૈશ્વિક સ્તરે તેના કર્મચારીઓનો 23 ટકા ઘટાડો કરશે. છટણી 2026ના બીજા ક્વાર્ટરમાં શરૂ થવાની છે અને આ વર્ષના અંત પહેલા પૂર્ણ થવાની સંભાવના છે. કંપનીમાં કુલ 631 કર્મચારીઓ છે, જેમાંથી 145 કર્મચારીઓને નોકરી ગુમાવવી પડી શકે છે.

અગાઉ, GoProના CEO અને સ્થાપક નિકોલસ વુડમેને જણાવ્યું હતું કે, ‘કંપની સપ્લાય ચેઇન સમસ્યાઓ, મેમરી કિંમતો અને ટેરિફ સંબંધિત “મેક્રોઇકોનોમિક દબાણ”નો સામનો કરી રહી છે.’ ઉલ્લેખનીય છે કે અગાઉ GoProએ આગાહી કરી હતી કે કંપની 2025 નાણાકીય વર્ષના અંત સુધીમાં નફો કરશે, જો કે આમ થવાને બદલે ઉલટું થતા વર્ષના અંતમાં ખોટ નોંધાવી હતી. ઘટતી આવક વચ્ચે, કંપનીને ચોથા ક્વાર્ટરમાં 9.1 મિલિયન ડૉલરનું નુકસાન થયું છે. અમેરિકન કેમેરા ઉત્પાદક DJI અને Insta360 જેવા હરીફો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે.

કંપનીમાં 2024માં છટણીના અગાઉના બે રાઉન્ડ બાદ આ બીજો મોટો કાપ છે, જ્યારે GoPro એ પ્રથમ ક્વાર્ટરમાં તેના કર્મચારીઓના લગભગ 4 ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ છટણીઓ સાથે, GoPro ઘણી અમેરિકન કંપનીઓની યાદીમાં જોડાશે જે ઝડપથી નોકરીઓમાં ઘટાડો કરી રહી છે. ઓરેકલે તાજેતરમાં 30,000 થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. નોકરીઓમાં ઘટાડો કરતી અન્ય કંપનીઓમાં એમેઝોન, મેટા, એટલાસિયન અને બ્લોકનો સમાવેશ થાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ઉલ્લેખનીય છે કે, છટણીનું મુખ્ય કારણ આર્થિક મંદીનો ભય, ખર્ચમાં ઘટાડો કરવાની જરૂરિયાત અને ઓટોમેશન તથા નવી ટેકનોલોજીના વધતા ઉપયોગ તરીકે જોવામાં આવે છે. લે-ઓફના કારણે માત્ર વ્યક્તિગત જીવન જ નહીં, પરંતુ બજારમાં ખરીદ શક્તિ ઘટે છે, જેના કારણે વેપાર અને સેવાઓ પર પણ નકારાત્મક અસર પડે છે. લે-ઓફને કારણે યુવાનોમાં અસુરક્ષા અને માનસિક તણાવ વધે છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ભવિષ્યમાં સ્કિલ અપગ્રેડ અને વિવિધ ક્ષેત્રોમાં નવી તકો શોધવી ખૂબ જ જરૂરી બની રહી છે.

આ પણ વાંચો : આર્ટેમિસ-2 મિશનના ક્રૂનો આશ્ચર્યજનક મેસેજ, જાણો રહસ્ય

Back to top button