TCS બાદ હવે Wiproની કર્મચારીએ ધર્મ પરિવર્તન અને ફરજિયાત રાજીનામાના ગંભીર આક્ષેપો કર્યા

Pune: મહારાષ્ટ્રની પુણે સ્થિત વિપ્રો ટેક્નોલોજીસ (Wipro) ફરી એકવાર વિવાદમાં આવી છે. કંપનીની એક પૂર્વ મહિલા કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે તેને કાર્યસ્થળ પર ધાર્મિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. મહિલા કર્મચારીનો દાવો છે કે તેના એક સહકર્મચારી દ્વારા તેને ઇસ્લામ ધર્મ અપનાવવા અને મુસ્લિમ યુવક સાથે સંબંધ રાખવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું.
મહિલાના જણાવ્યા અનુસાર, સહકર્મચારી વારંવાર કહેતો હતો કે હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ સ્વીકારવાથી જીવનશૈલી સુધરશે અને વિદેશમાં સ્થાયી થવાની તકો પણ વધશે. મહિલાએ આ સૂચનોનો વિરોધ કર્યો હતો અને બાદમાં તે વ્યક્તિ સાથે માત્ર ઓફિશિયલ કામ પૂરતો જ સંપર્ક રાખ્યો હતો.
પીડિચાએ કહ્યું કે આ લોકો હિન્દુ મહિલાઓને ફસાવતા હતા, તેમની પર દબાણ કરતા હતા અને તેમનો પોતાની માંગણીઓ માનવા અથવા નોકરીમાંથી રાજીનામું આપવા એમ બે માંથી એક વિકલ્પ સ્વીકારવા દબાણ કરતા હતા. મહિલાએ કંપનીમાં ધાર્મિક ઉત્પીડન, કાર્યસ્થલ પર ભેદભાવ અને જબરજસ્તી રાજીનામું જેવા ગંભીર આક્ષેપ કર્યા છે.
દુબઈમાં લગ્નનું દબાણ
ફરિયાદીએ એક સહકાર્યકર અને એક વરિષ્ઠ અધિકારીનું નામ પણ લીધું હતું, જેમાં દુર્વ્યવહારનું વર્ણન કરવામાં આવ્યું હતું. પીડિતાએ જણાવ્યું હતું કે મેં કામ શરૂ કર્યું તે પહેલા દિવસથી જ શાહીન રફીકે મને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેણે મને ક્ન્ટ્રી હેડ રામકુમાર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે મને કહ્યું કે તે સંબંધનો ઉપયોગ હું દુબઈ ટ્રાન્સફર મેળવવા માટે કરું, જ્યાં તે મારા લગ્ન શેખ સાથે ગોઠવી શકે, જેનાથી નાણાકીય વૃદ્ધિ અને જાતીય સંતોષ બંને સુનિશ્ચિત થઈ શકે.
પોલીસ કાર્યવાહીની સ્થિતિ
પોતાની ફરિયાદ અંગે પીડિતાએ કહ્યું કે મેં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી. મને આજે FIR સંદર્ભે સમન્સ પાઠવવામાં આવ્યું છે. પોલીસે કહ્યું છે કે તેઓ આ મામલાની તપાસ કરશે, ત્યારબાદ ઔપચારિક FIR દાખલ કરવામાં આવશે.”
મેનેજમેન્ટને ફરિયાદ છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ
મહિલાએ દાવો કર્યો છે કે તેણે આ મામલે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ અને આંતરિક ફરિયાદ સમિતિને જાણ કરી હતી. જોકે તેની ફરિયાદ પર કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેના બદલે તેના વિરુદ્ધ જ કંપનીની આંતરિક સમિતિ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું તેણે જણાવ્યું છે. મહિલાનો આરોપ છે કે તપાસ દરમિયાન તેની વાતને પૂરતું મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું અને તેને ન્યાયસંગત તક પણ આપવામાં આવી નહોતી.
ફરજિયાત રાજીનામું લેવાયું હોવાનો દાવો
પૂર્વ કર્મચારીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે ઓગસ્ટ 2025માં માઇક્રોસોફ્ટ ટીમ્સ મીટિંગ દરમિયાન કંપનીના પ્રતિનિધિઓએ તેના પર રાજીનામું આપવા માટે દબાણ કર્યું હતું. તેના જણાવ્યા મુજબ રાજીનામું સ્વૈચ્છિક નહોતું પરંતુ દબાણ હેઠળ લેવાયું હતું.
50 લાખ રૂપિયાના વળતરની માંગ
મહિલાના વકીલ વિવેક ભોસલેએ કંપનીને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં રાજીનામું પાછું ખેંચવા, કર્મચારીને ફરી નોકરીમાં લેવા, તેમજ માનસિક અને સામાજિક નુકસાન બદલ 50 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે.
હિંદુ જનજાગૃતિ સમિતિએ તપાસની માંગ કરી
પુણેમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન હિંદુ જનજાગૃતિ સમિતિએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સંગઠનનું કહેવું છે કે આ માત્ર વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ ધાર્મિક સ્વતંત્રતા અને કાર્યસ્થળની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.
TCS નાસિક કેસ સાથે થઈ રહી છે સરખામણી
તાજેતરમાં નાસિક સ્થિત TCS BPO યુનિટમાં પણ કેટલાક કર્મચારીઓએ ધાર્મિક દબાણ અને હેરાનગતિના આરોપ લગાવ્યા હતા. વિપ્રો સામે આવેલા નવા આરોપો બાદ બંને કેસોની સરખામણી કરવામાં આવી રહી છે અને કોર્પોરેટ ક્ષેત્રમાં કર્મચારીઓની ધાર્મિક સ્વતંત્રતા અંગે ચર્ચા ફરી તેજ બની છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કંપનીનો હજુ સુધી કોઈ જવાબ નથી
આ મામલે વિપ્રોએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હાલ ફરિયાદ પોલીસ અને અન્ય સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ છે. આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય સ્પષ્ટ થશે.












