શું અમેરિકામાં આવશે ‘આર્થિક હાર્ટ એટેક’? ટ્રમ્પની તરંગી ટેરિફ નીતિએ અમેરિકાની મુશ્કેલીઓમાં કર્યો વધારો

નવી દિલ્હી, 13 ઓક્ટોબર, 2025: અમેરિકાની આર્થિક પરિસ્થિતિ હાલમાં સારી નથી, તે વાત કોઇનાથી છૂપી નથી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તરંગી ટેરિફ નીતિએ અમેરિકાની મુશ્કેલીઓમાં ઘણો વધારો કર્યો છે. હવે અમેરિકાની અર્થવ્યવસ્થાને લઇને અવડોપતિ રોકાણકાર રે ડૈલિયોએ એક એવી ચેતવણી આપી છે, જે દલાલ સ્ટ્રીટથી લઇને વ્હાઇટ હાઉસ સુધી એમ દરેકને આંચકો આપે છે. રે ડૈલિયો એ જ વ્યક્તિ છે જેણે 2008ની મંદીની ભવિષ્યવાણી કરી હતી. હવે તેઓ કહે છે કે અમેરિકાનું સરકારી દેવુ એટલુ વધી ગયુ છે કે તે દેશની ધમનીઓમાં ચરબી બની ગયું છે, જો સમયસર તેને સાફ કરવામાં નહી આવે તો અમેરિકાને આર્થિક હાર્ટ એટેક આવી શકે છે.
બ્રિજવોટર એસોસિએટ્સના સ્થાપક ડૈલિયોએ બ્લૂમબર્ગ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “અમેરિકાની નાણાકીય સ્થિતિ એવી થઈ ગઈ છે કે જેની ધમનીઓ બંધ થઈ ગઈ છે. રક્ત (પૈસા) વહેતું બંધ થઈ ગયું છે, અને આખી સિસ્ટમ કટોકટીમાં છે.” યુએસ કોંગ્રેસનલ બજેટ ઓફિસ (CBO)અનુસાર, 2024માં યુએસ સરકારનું દેવું GDPના 99% સુધી પહોંચી ગયું હતું. આગામી દસ વર્ષમાં, 2034 સુધીમાં, આ આંકડો 116% ને વટાવી જશે.
1930 ના દાયકાના કટોકટી સાથે સરખામણી
ડૈલિયોએ અમેરિકાની વર્તમાન પરિસ્થિતિની તુલના 1930ના દાયકાના આર્થિક મંદી સાથે કરી છે. તે સમયે, આર્થિક મંદી, અસમાનતા અને વૈશ્વિક તણાવ ચરમસીમાએ હતા. હવે, અમેરિકામાં આર્થિક અસમાનતા પણ ચરમસીમાએ છે. આજે, જ્યારે ટોચના 10% સૌથી ધનિક લોકો દેશની બે તૃતીયાંશ સંપત્તિ ધરાવે છે, ત્યારે નીચલા 50% લોકો કુલ સંપત્તિના 4% કરતા ઓછી સંપત્તિ ધરાવે છે. ડૈલિયોએ ચેતવણી આપી હતી કે, “જ્યારે સંપત્તિ અને મૂલ્યો વચ્ચે આટલો ઊંડો તફાવત હોય છે, ત્યારે સંઘર્ષ વધે છે, અને આજે અમેરિકામાં આ જ થઈ રહ્યું છે.”
ટ્રમ્પની નીતિઓને ખોટી ગણાવી
ડૈલિયોએ અગાઉ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્રના ટેરિફ અને નીતિગત નિર્ણયોએ અમેરિકાની આર્થિક સ્થિરતાને નબળી પાડી છે. તેમણે કહ્યું હતું કે, “દેવું, ટેરિફ અને સત્તા સંઘર્ષ – આ ત્રણેય આર્થિક વ્યવસ્થાને અંદરથી ખાઈ રહ્યા છે.” ડૈલિયો માને છે કે અમેરિકા “અહિંસક ગૃહયુદ્ધ” તરફ આગળ વધી રહ્યું છે, એક એવો સંઘર્ષ જે બંદૂકોથી નહીં, પરંતુ રાજકીય ધ્રુવીકરણ, સામાજિક ગુસ્સો અને આર્થિક ભંગાણ દ્વારા લડવામાં આવશે.
આ પણ વાંચોઃ દિલ્હીથી ગ્વાંગઝૂની ઇન્ડિગોની સીધી ફ્લાઇટ 10 નવેમ્બરથી, વેપાર-પ્રવાસની તકો વધશે












