દિલ્હીથી ગ્વાંગઝૂની ઇન્ડિગોની સીધી ફ્લાઇટ 10 નવેમ્બરથી, વેપાર-પ્રવાસની તકો વધશે

નવી દિલ્હી, 13 ઓક્ટોબર, 2025: એરલાઇન્સ ઇન્ડિગોએ શનિવારે દિલ્હી અને ચીનના ગ્વાંગઝૂની દૈનિક સીધી ફ્લાઇટ શરૂ કરવાની ઘોષણા કરી દીધી છે. આ હવાઇ માર્ગ પર ફ્લાઇટ્સનું સંચાલન ઇન્ડિગોની એરબસ A320 વિમાનથી થશે. એરલાઇને આ ઘોષણા વિદેશ મંત્રાલય (MEA)એ 3 ઓક્ટોબરે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટને ફરી શરૂ કરવાની આપેલી પુષ્ટિ બાદ કરી છે.
મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થવી એ ભારત-ચીન સંબંધોમાં સુધારણાનો સંકેત છે. કોવિડ-19 રોગચાળા અને ડોકલામ ગતિરોધને કારણે આ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. ચીની દૂતાવાસના પ્રવક્તાએ પણ બંને દેશો વચ્ચે ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની પુષ્ટિ કરી હતી. થોડા અઠવાડિયા પહેલા જ, ઇન્ડિગોએ 26 ઓક્ટોબરથી કોલકાતા અને ગ્વાંગઝૂ વચ્ચે દૈનિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.
ભારત-ચીન ફ્લાઇટ્સ અંગે, ઇન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ, વિનય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “કોલકાતાથી તાજેતરમાં ફરી શરૂ થયેલા રૂટ ઉપરાંત, અમે દિલ્હી અને ગ્વાંગઝૂવચ્ચે દૈનિક સીધી ફ્લાઇટ્સ સાથે ચીન સાથે અમારી કનેક્ટિવિટીને વિસ્તૃત કરીને ખુશ છીએ. વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો વચ્ચે કામગીરી ફરી શરૂ થવાથી સાંસ્કૃતિક વિનિમય અને આર્થિક સહયોગ માટે અપાર સંભાવનાઓ મળે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગ્વાંગઝૂ દ્વારા, ઇન્ડિગો ચીનના વિશાળ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાશે. આ બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પર્યટન અને શિક્ષણમાં નવી તકોનો વધુ વિસ્તાર કરશે.” આ ભારતને વિશ્વ સાથે જોડવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
ફ્લાઇટનો સમય અને ટિકિટ ઉપલબ્ધતા
એરલાઇન અનુસાર, દિલ્હીથી ગુઆંગઝુની ફ્લાઇટ રાત્રે 9:45 વાગ્યે ઉપડશે અને સવારે 4:40 વાગ્યે ગ્વાંગઝૂ પહોંચશે. પરત ફરતી ફ્લાઇટ ગ્વાંગઝૂથી સવારે 5:50 વાગ્યે ઉપડશે અને સવારે 10:10 વાગ્યે દિલ્હી પહોંચશે. આ રૂટ માટેની ટિકિટ ઇન્ડિગોની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
નવી દિલ્હીથી હનોઈ ફ્લાઇટ 20 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે
ઇન્ડિગોએ એક નવી ફ્લાઇટની પણ જાહેરાત કરી છે. આ 20 ડિસેમ્બરથી દિલ્હી અને વિયેતનામના હનોઈ વચ્ચે દૈનિક સીધી સેવા હશે. આ ફ્લાઇટ એરબસ A320 એરક્રાફ્ટથી પણ સંચાલિત થશે અને ભારતની રાજધાનીને દક્ષિણપૂર્વ એશિયાના અગ્રણી વ્યવસાય અને સાંસ્કૃતિક શહેર સાથે જોડશે. હાલમાં, ઇન્ડિગો કોલકાતા, હનોઈ અને હો ચી મિન્હ સિટી વચ્ચે 14 સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવે છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ચીન પર 100 ટકા ટેરિફથી ક્રિપ્ટોમાં હડકંપ! બિટકોઇન-ઇથેરિયમમાં કડાકો!












