શું ગુજરાતમાં જૂની ફોર્મુલા લાગુ કરશે ભાજપ? મંત્રીમંડળ વિસ્તરણની તૈયારી વચ્ચે આવ્યું મોટું અપડેટ

ગાંધીનગર, તા. 16 ઓક્ટોબર, 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ શુક્રવાર, તા :૧૭ ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રી મંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવરાવશે. ભારતીય જનતા પાર્ટી 2021ની ‘નો રિપીટ થિયરી‘ મુજબ ગુજરાતમાં ‘ઑલ ઈઝ વેલ’ કરવા માટે મોટી સર્જરી કરશે.
સૂત્રોના મતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્તમાન મંત્રીમંડળના 16 માંથી લગભગ એક ડઝન મંત્રીઓને હટાવીને 14 થી 15 નવા મંત્રીઓને સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. આ દરમિયાન એક મોટું અપડેટ એ છે કે રાજ્યમાં BJP કોઈ આદિવાસી નેતાને નાયબ મુખ્યમંત્રી પણ બનાવી શકે છે.
સૂત્રો દ્વારા માહિતી મળી કે BJPના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ગુરુવારે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. તેઓ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જેમ નાયબ મુખ્યમંત્રીનું ફોર્મ્યુલા શોધવા માટે ધારાસભ્યો સાથે બેઠક કરી શકે છે. મંત્રીમંડળ ફેરબદલના આ અવસરે કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહે તેવી સંભાવના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત આવે તેવી ચર્ચા છે, જોકે ત્યારબાદના દિવસે તેમનો બિહારનો પ્રવાસ નક્કી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 13 વર્ષના કાર્યકાળને બાદ કરીએ તો, ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રીનો ઇતિહાસ રહ્યો છે. છેલ્લે, વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદ દરમિયાન નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા.ભાજપને ગુજરાતના આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી આપનું ગ્રાઉન્ડ વર્ક છે. આ સાથે પાટીદાર અને OBC સમીકરણોને પણ સંતુલિત કરવાનો પડકાર છે. આ સંજોગોમાં ગુરુવારનો દિવસ રાજકીય રીતે ઘણો હલચલભર્યો બની શકે છે.
વડાપ્રધાન મોદીના દિલ્હી ગયા પછી ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ અનુભવાઈ રહ્યો છે. પાર્ટી પાસે કોળી અને ઠાકોર સમાજમાં કોઈ મોટો લોકપ્રિય નેતા નથી. ભાજપે કોંગ્રેસના નેતાઓને પક્ષમાં લઈને કામ ચલાવ્યું, પરંતુ હવે આપના બે ધારાસભ્યો, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ભાજપની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. ભાજપમાં ઘણા આદિવાસી નેતાઓ હોવા છતાં, ચૈતર વસાવા સામે તેઓ ફીક્કા પડી રહ્યા છે. આ જ સ્થિતિ ગોપાલ ઇટાલિયાને લઈને છે. તેમની કાર્યક્રમોમાં ઉમટી રહેલી જબરદસ્ત ભીડથી ભાજપ ચિંતિત છે. ગુજરાતમાં કોંગ્રેસ ભલે ધીમી ગતિએ હોય, પરંતુ AAP ખેડૂતોના મુદ્દે આક્રમક છે.
આ સંજોગોમાં, જ્યારે ભાજપ 2027ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ કરી રહી છે, ત્યારે તે વિપક્ષને કોઈ તક આપવાના મૂડમાં નથી. આથી જ પાર્ટી ‘મોટી સર્જરી’ કરીને કેબિનેટમાં લોકોને આકર્ષિત કરી શકે તેવા ઉર્જાવાન નેતાઓની એન્ટ્રી કરાવવાના મૂડમાં છે.












