અમદાવાદ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા ક્યારથી થશે શરુ ?

અમદાવાદ, 31 ઓક્ટોબર 2025: ભારતીય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (Special Intensive Revision – SIR) પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ પ્રક્રિયા ૨૦ વર્ષ પછી પ્રથમ વખત લાગુ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ મતદારયાદીને શુદ્ધ, અદ્યતન અને વિશ્વસનીય બનાવવાનો છે. ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં લગભગ ૫૧ કરોડ મતદારોની યાદીનું સઘન પુન: ર્મૂલ્યાંકન થઈ રહ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર સુજીતકુમારના અધ્યક્ષસ્થાને તાજેતરમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં SIRની પ્રક્રિયા, તેના લાભો અને રાજકીય પક્ષોની ભૂમિકા પર વિસ્તૃત ચર્ચા થઈ. રાજકીય પક્ષોએ BLO (Booth Level Officer) અને ERO (Electoral Registration Officer)ની કામગીરીમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.

સમયપત્રક અનુસાર, ૪ નવેમ્બરથી ૪ ડિસેમ્બર દરમ્યાન હાઉસ-ટુ-હાઉસ એન્યુમરેશન થશે. BLOઓ દરેક ઘરે પ્રી-પ્રિન્ટેડ એન્યુમરેશન ફોર્મ (EF) વિતરણ કરશે અને મતદારો પાસેથી ભરેલા ફોર્મ પરત લેશે. મૃત, સ્થળાંતરિત કે અયોગ્ય મતદારોના નામ દૂર કરવામાં આવશે, જ્યારે નવા મતદારોનું નોંધણી થશે. શહેરી વિસ્તારોમાં ઓનલાઇન વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે – મતદારો voters.eci.gov.in પર ફોર્મ ભરી શકશે.
આ પ્રક્રિયા દરમ્યાન બૂથ લેવલ એજન્ટ્સ (BLA)ની નિમણૂક પણ થશે, જેઓ રાજકીય પક્ષો તરફથી BLOની કામગીરીનું નિરીક્ષણ કરશે. અંતિમ મતદારયાદી ૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થશે.
આ પણ વાંચો: મમતા કુલકર્ણીનો યુ ટર્ન, વિવાદ બાદ કરી સ્પષ્ટતા, હું દાઉદ નહિ વિક્કી ગોસ્વામીની વાત કરી રહી હતી












