અજિત પવારના વિમાન અકસ્માત પર DGCAએ શું કહ્યું? સામે આવ્યું પહેલું સત્તાવાર નિવેદન

મહારાષ્ટ્ર, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે થયેલા વિમાન અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ ભયાનક ઘટના તેમના ગૃહ ક્ષેત્ર બારામતીમાં બની, જ્યાં લેન્ડિંગ દરમિયાન તેમનું ખાનગી વિમાન ક્રેશ થયું હતું. અજિત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. આ મામલે હવે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)નું પ્રથમ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.
DGCAએ શું જણાવ્યું?
DGCAએ બારામતીમાં થયેલા આ વિમાન અકસ્માત અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં કુલ 5 લોકોનાં મોત થયા છે. DGCA અનુસાર, અકસ્માતગ્રસ્ત વિમાનમાં સવાર તમામ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. શરૂઆતમાં અહેવાલ આવ્યા હતા કે અજિત પવાર ગંભીર રીતે ઘાયલ થયા છે, પરંતુ થોડા સમયમાં જ તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી.
વિમાનમાં કોણ-કોણ સવાર હતા?
DGCAના જણાવ્યા અનુસાર, વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખમંત્રી અજિત પવાર ઉપરાંત વધુ ચાર લોકો સવાર હતા. તેમાં
-
1 પર્સનલ સિક્યુરિટી ઓફિસર (PSO),
-
1 અટેન્ડન્ટ,
-
અને 2 ક્રૂ મેમ્બર (PIC અને FO) સામેલ હતા.
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં વિમાનમાં સવાર એક પણ વ્યક્તિ જીવતી બચી નથી.
ચાર સભાઓ માટે બારામતી જઈ રહ્યા હતા
મળતી માહિતી મુજબ, અજિત પવાર આજે બારામતીમાં ચાર જાહેર સભાઓમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. તેઓ બુધવારે સવારે ખાનગી વિમાન મારફતે મુંબઈથી બારામતી માટે રવાના થયા હતા, પરંતુ લેન્ડિંગ દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું.
પવાર પરિવાર બારામતી તરફ રવાના
આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર બારામતી માટે રવાના થઈ ગઈ છે. ઉપરાંત તેમની બહેન અને પુત્ર પાર્થ પવાર પણ બારામતી પહોંચવા માટે નીકળી ગયા છે.
આ અકસ્માતે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. DGCA દ્વારા અકસ્માતના કારણોની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં અવસાન, જાણો તેમની રાજકીય અને વ્યક્તિગત જીવનની સફર કેવી રહી












