વડોદરામાં પાર્કિંગ સમસ્યા પર VMCની કરશે આ કામ, 100 પ્લોટ અને ટોઈંગ વાનથી મળશે રાહત

વડોદરા, 15 નવેમ્બર 2025: વધતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે વડોદરા શહેરમાં ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગની સમસ્યા વકરી છે. આના નિવારણ માટે વડોદરા મહાનગરપાલિકા (VMC)એ મોટો નિર્ણય લીધો છે. પાલિકા શહેરભરમાં 100 જેટલા પ્લોટને પાર્કિંગ માટે ફાળવશે અને અનેક બ્રિજ નીચે ‘પે એન્ડ પાર્ક’ સુવિધા શરૂ કરશે. આ ઉપરાંત, આડેધડ પાર્કિંગ કરનારા વાહનો સામે સખ્ત કાર્યવાહી કરવા 8 ટોઈંગ વાન ખરીદવામાં આવશે.
VMCએ 17 સ્થળોએ પાર્કિંગના ઇજારા માટે જાહેરાત કરી છે. આમાં સાવલી રોડ, ગુરુદ્વારા પાસે તરસાલી, છાણી ફ્લાયઓવર નીચે, લેહરીપુરા રોડ, ગોલ્ડન ચોકડી, દુમાડ ચોકડી, ફતેહગંજ બ્રિજ નીચે, નટુભાઈ સર્કલ પાસે હરીનગર, વડી વાડી પાણી ટાંકી, તાંદલજા, સમા તળાવ પાસે, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામે સમા, હરણી લેક ઝોન પાસે હાલોલ રોડ, અમિતનગર બ્રિજ નીચે અને અટલ બ્રિજ નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, “ફાળવેલા પાર્કિંગમાં વાહન ન રાખનારા સામે ટ્રાફિક પોલીસની જેમ કડક કાર્યવાહી થશે. ચાર ઝોન માટે 8 ટોઈંગ વાનથી આડેધડ વાહનો દૂર કરાશે.”










